ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નાગરિકોને સાવધાન કર્યા છે. ઑનલાઇન બૅન્કિંગ સેવાઓ શરૂ થઈ છે ત્યારથી ઑનલાઇન છેતરપિંડી કરવાની પ્રવૃત્તિઓ પણ વધી ગઈ છે. કેવાયસી અપડેટ કરવાના મૅસેજ મોકલીને લોકોને છેતરવાના કેસ બની રહ્યા છે. જેની ઘણી ફરિયાદો આવવાથી આરબીઆઇએ લાલબત્તી ધરી છે અને આવું કરશો તો તમારા ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ જશે.
કોઈ અજ્ઞાત વ્યક્તિનો ફોન, મેસેજ કે ઈ-મેઇલ આવે અને તે તમારા બૅન્ક ઍકાઉન્ટની વિગતો વિશે પૂછે, એ વ્યક્તિ પોતાને બૅન્કનો કર્મચારી કહીને વાત કરી શકે, ઍકાઉન્ટ લોગઇન, કાર્ડ કે પિન વિશે માહિતી પૂછે અને જો તે માહિતી આપી તો તમારું ખાતું સફાચટ થઈ જશે.
તેથી આરબીઆઇએ લોકોને સાવચેત કરતાં કહ્યું છે કે વ્યક્તિગત માહિતી, ઍકાઉન્ટ વિશે માહિતી, કેવાયસી દસ્તાવેજોની કૉપી, કાર્ડ ઇન્ફોર્મેશન, ઓટીપી, પાસવર્ડ જેવી માહિતીઓ અજ્ઞાત વ્યક્તિ કે એજન્સીઓને આપવી નહીં. એટલું જ નહીં પ્રમાણિત કે અનધિકૃત વેબ સાઇટો પર આ બધી ઇન્ફોર્મેશનને શૅર કરવી નહીં.
એટલું જ નહીં આરબીઆઇએ બૅન્કોને સલાહ આપી છે કે કોઈ પણ ઍકાઉન્ટનું કેવાયસી અપડેટ કરવાનું બાકી હોય તો એ ખાતાને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી કાર્યરત રાખવાની પરવાનગી આપવી.