રિલાયન્સ કોવિડ સામે ઝઝૂમતા રાજ્યોને દરરોજ 700 ટનથી વધુ ઓક્સિજન પૂરો પાડી રહ્યું છે

by Dr. Mayur Parikh

નવી દિલ્હી, 21 એપ્રિલ

બુધવાર

– રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દરરોજ 400 ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવે છેઃ ધનરાજ નથવાણી

– કંપનીએ મેડિકલ ગ્રેડના ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારી

– આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 1000 ટન પ્રતિ દિવસ કરાશે

 અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોવિડ-19 મહામારી સામે ઝઝૂમતા રાજ્યો માટે તબીબી ઉપયોગ માટેના ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 700 ટન પ્રતિ દિવસ કરી દીધું છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કંપનીની ગુજરાતમાં આવેલી જામનગર સ્થિત રિફાઇનરી શરૂઆતમાં દરરોજ 100 ટન મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતી હતી, આ ઉત્પાદન ક્ષમતાને તાત્કાલિક વધારીને 700 ટન પ્રતિ દિવસ સુધી લઈ જવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, તેમ આ મામલે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું. ઓક્સિજનનો આ પુરવઠો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ગંભીર રીતે બીમાર 70,000થી વધુ લોકોને રાહત આપશે. આવનારા દિવસોમાં કંપની મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન પ્રતિ દિન 1000 ટન સુધી લઈ જવાનું આયોજન કરી રહી છે.

ક્રૂડ ઓઇલમાંથી ડીઝલ, પેટ્રોલ અને જેટ ફ્યૂઅલ જેવા ઈંધણનું ઉત્પાદન કરતી જામનગર રિફાઇનરી મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતી નહોતી, પરંતુ કોરોના વાઇરસના કેસમાં અસાધારણ ઉછાળો આવતાં રિલાયન્સે ખાસ ઉપકરણો ઇન્સ્ટોલ કરીને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન અને સપ્લાય શરૂ કર્યો છે. ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓક્સિજનને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. "સમગ્ર દેશમાં રાજ્યોને દરરોજ 700 ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આટલો પુરવઠો દરરોજ 70,000 ગંભીર રીતે બીમાર લોકોને રાહત પહોંચાડશે," તેમ આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. માઇનસ 183 ડિગ્રી તાપમાન પર ખાસ ટેન્કરમાં ઓક્સિજન પૂરો પાડવાની સમગ્ર કામગીરી પાછળ રાજ્ય સરકારોએ કોઈ ખર્ચ કરવાનો થતો નથી, તેમ જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ કામગીરી કંપનીની કોર્પોરેટ સોશિયલ રિપ્સોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે કરવામાં આવી રહી છે. ઓઇલ રિફાઇનરીઓ નાઇટ્રોજનનું ઉત્પાદન કરવા માટેના તેમના એર-સેપરેશન પ્લાન્ટ્સમાં મર્યાદિત ક્ષમતામાં ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા અન્ય ગેસના સ્ક્રબિંગથી તબીબી ઉપયોગ માટેના 99.9 ટકા પ્યોરિટી ધરાવતા ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ મંગળવારે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "રિલાયન્સ જામનગર દ્વારા દરરોજ ગુજરાતને 400 ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આ કાર્ય ગુજરાત માટેના અમારા સમર્પણને દર્શાવે છે." રિલાયન્સ ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ધરાવે છે. સૂત્રોએ કહ્યું હતું કે, હાલ ચાલી રહેલી મહામારી સામે લડવા મેડિકલ-ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડવો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતાં અનેક કાર્યોમાંનું એક કાર્ય છે. રિલાયન્સ ફાઉન્ડેશને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથે મળીને દેશની પહેલી કોવિડ હોસ્પિટલ મુંબઈમાં શરૂ કરી હતી. 100 પથારીઓ ધરાવતી આ હોસ્પિટલ માત્ર બે અઠવાડિયામાં શરૂ કરવામાં આવી હતી, જેની ક્ષમતા પાછળથી વધારીને 250 પથારીની કરવામાં આવી હતી. રિલાયન્સે મહારાષ્ટ્રના લોધીવલીમાં સંપૂર્ણ સગવડો સાથેની આઇસોલેશન સુવિધા તૈયાર કરી હતી જેને જિલ્લા વહીવટીતંત્રને સુપરત કરવામાં આવી હતી. આ ઉપરાંત, રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં સ્પંદન હોલિસ્ટિક મધર-એન્ડ-ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં કોવિડના શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટાઇન કરવાની સુવિધા ઊભી કરવામાં સહાય કરી હતી.

રવિવારના દિવસે સેર સપાટો કરવાનું પડ્યું ભારે. જાણો વિગત..

રિલાયન્સે દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ-19 કેર સેન્ટર ખાતે ડિજિટલ અને મેડિકલ સુવિધાઓ ઊભી કરવામાં સહાય કરી હતી. આ ઉપરાંત, સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે BMC સાથેના સહયોગમાં મુંબઈની એચબીટી ટ્રોમા હોસ્પિટલમાં 10 પથારીઓનું ખાસ ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કર્યું હતું.

પ્લાઝ્મા થેરાપીની અસરકારકતા ચકાસવા માટેની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા માટેના મહારાષ્ટ્ર સ્થિત વિવિધ કેન્દ્રોમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પર ICMR દ્વારા સૌથી પહેલો ભરોસો મૂકવામાં આવ્યો હતો. ભારતના હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રિલાયન્સ દરરોજના એક લાખ પીપીઈ અને માસ્કનું પણ ઉત્પાદન કરે છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન ઇમરજન્સી સેવાઓ વિના વિઘ્ને કાર્યરત રહી શકે તે માટે રિલાયન્સે દેશના 18 રાજ્યોના 249 જિલ્લાઓમાં 14,000 એમ્બ્યુલન્સને 5.5 લાખ લીટર નિઃશુલ્ક ઇંધણ પૂરું પાડ્યું હતું. દેશમાં કોવિડ-19 માટેના ટેસ્ટિંગની ક્ષમતા ઝડપથી વધે એ માટે રિલાયન્સ લાઇફ સાયન્સ ટેસ્ટ કિટ્સ અને અન્ય સાધનો પૂરા પાડે છે. લોકડાઉન દરમિયાન વંચિતો અને ગરીબો માટે રિલાયન્સ ફાઉન્ડેશને મિશન અન્ન સેવાની શરૂઆત કરી હતી, જે કોઈ કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા ભોજન વિતરણ માટે શરૂ કરાયેલો સમગ્ર વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ હતો.

મિશન અન્ન સેવા હેઠળ 80થી વધુ જિલ્લા, 18 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 5.5 કરોડ ભોજન પહોંચાડવામાં આવ્યા હતા. રિલાયન્સે PM-CARES ફંડ સહિતના વિવિધ રાહત ફંડોમાં કુલ રૂ. 556 કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મિશન કોવિડ સુરક્ષા પણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ સામે બચી શકાય છે તેવો સંદેશો ફેલાવીને મોટાપાયે માસ્ક વિતરણ કરવામાં આવ્યાં હતાં.

કોરોના વધુ એક જાણીતા કલાકાર ને ભરખી ગયો. આજે લીધા અંતીમ શ્વાસ…

સૂત્રોએ જણાવ્યું હતું કે, 21 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રિલાયન્સ ફાઉન્ડેશને ફ્રન્ટલાઇન વર્કર્સ અને ગરીબ સમુદાયોમાં 67 લાખ માસ્કનું વિતરણ કર્યું હતું. રિલાયન્સ રિટેલ દ્વારા તેના 736 ગ્રોસરી સ્ટોર્સ થકી જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકોને હોમ ડિલિવરીની સુવિધા આપવાની સાથે સ્ટોર્સ ઉપરથી ટેકઅવે ઓર્ડર્સ આપીને ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કંપનીના ટેલિકોમ સાહસ જિયો દ્વારા 40 કરોડ દેશવાસીઓ અને હજારો સંસ્થાનોને અવિરત અને ભરોસાપાત્ર ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More