ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
કોરોના ને કારણે મુંબઈ શહેરના રિયલ એસ્ટેટમાં જોરદાર મંદી આવી હતી. તેમજ રાજ્ય સરકાર ની કમાણી પણ ઐતિહાસિક રીતે નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી. આ સમસ્યામાંથી બિલ્ડરો અને રાજ્ય સરકાર બંનેને બહાર કાઢવા માટે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યૂટીના દર માં ધરખમ ઘટાડો કર્યો હતો. સ્ટેમ્પ ડયૂટીના દર પાંચ ટકાથી ઘટાડીને માત્ર બે ટકા કરી નખાયા હતા. પરિણામ સ્વરૂપ ઘર લેવા માટે લોકોની પડાપડી થઈ ગઈ હતી.
ત્યાર બાદ રાજ્ય સરકારે આ રાહતને આંશિક રીતે ઓછી કરી. તેમજ સ્ટેમ્પ ડ્યુટી બે ટકાથી વધારીને ત્રણ ટકા કરી. સ્ટેમ્પ ડ્યુટી એક ટકો વધી ગયા બાદ પણ લોકો મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદી રહ્યા હતા. હવે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી ફરી એકવાર પાંચ ટકા કરી નાખી છે.
આ સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે રિયલ એસ્ટેટની ઝડપી દોડ હવે શાંત થશે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ હાઉસ ઇન્ડસ્ટ્રી દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે સ્ટેમ્પ ડ્યુટી ના દર સંદર્ભેની સવલત ને ચાલુ રાખવામાં આવે. પરંતુ રાજ્ય સરકારે આ વિનંતીને માન્ય રાખી નથી.