ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર વિશ્ર્વના તમામ દેશોને સીધી કે પછી અપ્રત્યક્ષ રીતે વર્તાઈ રહી છે. યુ્દ્ધની સાથે જ ભારતમા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. નવી મુંબઈની APMC માર્કેટમાં સૂર્યમુખી તેલના ભાવમા પહેલાથી જ 20%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે જો રશિયન-યુક્રેનની સ્થિતિ વધુ વણસે તો આગામી દિવસમાં આ ભાવ હજી વધી શકે છે.
બંને દેશો વચ્ચેના તણાવને પગલે છેલ્લા અનેક મહિનામાં સૂર્યમુખી તેલના ભાવમાં લગભગ 20%નો ઉછાળો જોવા મળ્યો છે.
એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના વેપારીઓને ડર છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચેની પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સૂર્યમુખી તેલના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે અને સામાન્ય લોકોના ખિસ્સાને તેનો ફટકો પડી શકે છે.
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ મર્ચન્ટ ફેડરેશને એક અખબારને જણાવ્યા મુજબ દેશમાં લગભગ 70% સૂર્યમુખી તેલ રશિયા અને યુક્રેનમાંથી આયાત કરવામાં આવે છે. યુદ્ધ ચાલુ રહેવાની પરિસ્થિતિમાં તેલની સપ્લાય પર અસર થઈ શકે છે જેને કારણે આાગમી દિવસમાં ભાવમાં વધુ વધારો થવાની શકયતા છે. સૂર્યમુખી તેલની બાકીની જરૂરિયાત આર્જેન્ટિનાથી આયાત કરીને પૂરી કરવામાં આવે છે. એ સાથે જ સ્થાનિક સ્તરે પણ ઉત્પાદન થાય છે.
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ મર્ચન્ટ ફેડરેશનના પદાધિકારીઓના કહેવા મુજબ યુક્રેન પર રશિયાના આક્રમણની યોજના બાદ જાન્યુઆરીમાં સૂર્યમુખી તેલના ભાવ વધવા લાગ્યા હતા. જ્યારથી તણાવ શરૂ થયો ત્યારથી સૂર્યમુખી તેલમાં લગભગ 20 થી 22% ભાવ વધારો જોવા મળ્યો છે.
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ મર્ચન્ટ ફેડરેશનના કહેવા મુજબ , જાન્યુઆરી 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં, લગભગ 23 લાખ ટન ક્રૂડ સનફ્લાવરની આયાત કરવામાં આવી હતી અને આ બંને દેશો મુખ્ય સપ્લાયર હતા. બંદરો બંધ હોવાથી સનફ્લાવર ક્રૂડ ઓઇલનો પુરવઠો નહીં મળે જેના કારણે ભાવમાં વધારો થશે.
ખાદ્યતેલના ભાવ છેલ્લા એક વર્ષથી વધી રહ્યા છે અને રશિયન આક્રમણ પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.
અનાજ, ચોખા અને તેલીબિયાં, મર્ચન્ટ્સ એસોસિએશન (GROMA) ના પદાધિકારીના કહેવા મુજબ યુદ્ધ પણ ક્રૂડ ઓઈલના ભાવને વધારી રહ્યું છે અને આનાથી આવશ્યક ચીજવસ્તુઓના એકંદર આયાત ખર્ચ અને છૂટક કિંમત પર વધુ અસર થશે. “કોવિડ કેસમાં નિયંત્રણ સાથે, ચીજવસ્તુઓની કિંમતો નિયંત્રણમાં આવી રહી હતી. પરંતુ હાલની સ્થિતિ ચાલુ રહેશે, તો ભાવ ફરીથી વધશે.