ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
વેપારીઓને ઇન્કમ ટૅક્સ ભરવા માટે છેલ્લી તારીખની રાહ નહીં જોતાં તાત્કાલિક ઇન્કમ ટૅક્સ ભરી દેવાની સલાહ આપવામાં આવી છે.
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના કહેવા મુજબ ઇન્કમ ટૅક્સ દ્વારા દર વખતે કોઈ નવી-નવી માહિતી માગવામાં આવતી હોય છે. ફૉર્મ પણ બદલાતાં રહેતાં હોય છે. એમાં મોટા ભાગના લોકો ઇન્કમ ટૅક્સ ભરવા માટે એકદમ છેલ્લી તારીખ નજીક આવે ત્યારે રિટર્ન ભરવા દોડી જતા હોય છે. અંતિમ તારીખ નજીક આવવાથી ઉતાવળમાં રિટર્ન ફાઇલ કરી દેતા હોય છે. એમાં અનેક વખત ભૂલ થઈ જતી હોય છે, તો છેલ્લા બે દિવસ દરમિયાન ઇન્કમ ટૅક્સ પૉર્ટલ પણ હૅન્ગ થઈ જતું હોય છે. એથી મોટા ભાગના કરદાતાઓ ઇન્કમ ટૅક્સ ભરી શકતા નથી અને તેમને પેનલ્ટી ભરવી પડે છે. રિટર્ન નહીં ભરવા પર 5,000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડે છે. એ ઉપરાંત અન્ય નુકસાન પણ હોય છે. એથી વેપારીઓએ સમયસર ઇન્કમ ટૅક્સ ભરી દેવો. સામાન્ય રીતે ઇન્કમ ટૅક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, પણ કોરોના મહામારીને પગલે 2021-22માં અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2021 કરવામાં આવી છે.
કેટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે રિટર્ન ફાઇલ કરવાની તારીખ ભલે 30 સપ્ટેમ્બર કરી નાખવામાં આવી હોય, પરંતુ ટૅક્સ પેયરોને ઇન્ટરેસ્ટ લાયબિલિટી તો ભરવી જ પડશે. જો ટૅક્સ પેયરની ટૅક્સ લાયબિલિટી નિર્ધારિત સીમાથી વધુ છે, તો સેક્શન 234 (B) અંતર્ગત તેને દર મહિને એક ટકા પ્રમાણે વ્યાજ લાગશે. એ ઉપરાંત ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ઇન્કમ ટૅક્સ સમયસર નહીં ભરનારાઓને દંડ કરવા માટે નિયમમાં અનેક પ્રોવિઝન્સ રાખ્યાં છે.
ઇન્કમ ટૅક્સ સિવાય TDS ક્રેડિટની પણ સમસ્યા છે. કરદાતાઓ દ્વારા TDS ક્રેડિટ માટેનો દાવો એ જ વર્ષમાં કરવાનો હોય છે, જે વર્ષમાં કરદાતા દ્વારા સંબંધિત આવકની માહિતી આપવામાં આવે છે.