ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
હાલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ, વોટ્સએપ નવા નવા ફીચર લાવી રહ્યું છે. ત્યારે હવે તમે દેશમાં વોટ્સએપ દ્વારા પૈસા પણ ટ્રાન્સફર કરી શકશો. ખરેખર વોટ્સએપને ભારતમાં યુપીઆઈ આધારિત ચુકવણી સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વોટ્સએપને ભારતમાં યુપીઆઈ આધારિત સિસ્ટમો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
આ સર્વિસ યુપીઆઈ (UPI) આધારીત છે. જેવી રીતે પેટીએમ, ફોન પે કે ગૂગલ પે કામ કરે છે તેવી રીતે જ કામ કરશે. UPI સેવા વોટ્સએપ સાથે શરૂ થવાથી તમે વોટ્સએપમાંથી તમારાં મોબાઇલનું રિચાર્જ કરી શકશો, બીલ ભરી શકશો, રોકડ રકમ ટ્રાન્સફર કરી શકશો. શક્ય હશે ત્યા સુધી એના માધ્યમથી અન્ય એપની જેમ ખરીદી કરવાના ઓપ્શન પણ મળી શકશે.
આ સુવિધાની મદદથી, વપરાશકર્તાઓ 6-અંકના પિન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનની મદદથી પૈસા ટ્રાન્સફર કરી શકશે. તેનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાએ તેના વોટ્સએપ એકાઉન્ટને વિઝા અથવા માસ્ટરકાર્ડના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ સાથે જોડવું પડશે.
ઉલ્લેખનીય છે કે વોટ્સએપ માત્ર સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મેળવવાની રાહ જોઇ રહ્યો હતો, કારણ કે વોટ્સએપનું ભારતમાં બે વર્ષથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેમેન્ટ મેથડમાં કેટલીક સમસ્યાઓ આવી રહી હતી એના કારણે આ સેવા લૉન્ચ નહોતી થઈ રહી. હજારો વપરાશકર્તાઓ પહેલાથી જ વર્ઝન પર વોટ્સએપ પેનો ઉપયોગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં ભારતમાં વોટ્સએપ પે રજૂ કરશે.