News Continuous Bureau | Mumbai
અમદાવાદ સહિત રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં તો ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અસહ્ય ગરમીથી બચવા લોકો બપોરના સમય કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે કાળઝાળ ગરમીમાં પ્રાણીઓની સ્થિતિને ધ્યાને રાખી શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટની સુવિધા ઊભી કરાઈ છે.
મળતી માહિતી મુજબ, કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર આર.કે સાહુએ આ મામલે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રહાલયમાં કુલ 25 જેટલા કુલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયાના વહીવટી વિભાગ દ્વારા દરેક પ્રાણીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઝૂમાં વાઘ, ચિત્તા, વાઘણ સહિત તમામ પ્રાણીઓને ઉનાળામાં ઠંડી વાતાવારણ મળી રહે તે માટે તેમના પિંજરા પાસે કુલર મૂકવામાં આવ્યા છે. જ્યારે નોકટરેલ ઝૂમાં પણ ખાસ જિઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ખોરાકમાં તરબૂચ અને શક્કરટેટી પણ આપવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા આંચકો લાગ્યો છે.
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 1500થી વધુ પક્ષી અને પ્રાણીઓ
જણાવી દઇએ કે હાલ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 1500થી વધુ પક્ષી અને પ્રાણીઓ છે. પ્રાણીઓની દરેક હલનચલન પર પણ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત, ઉનાળામાં પ્રાણીઓની તબિયત લથડવાની સ્થિતિમાં દવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રાણીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓ માટે પાણીમાં ORS નાખવાની વ્યવસ્થા પણ કરાશે.