News Continuous Bureau | Mumbai
Ahmedabad Metro: અમદાવાદ શહેરમાં પરિવહનની પારાશીશી બનેલી મેટ્રો સેવા તેની પરિવહન સેવા સાથે સાથે નિષ્ઠા અને ઈમાનદારીની પણ પ્રતીતિ કરાવી રહી છે. આજે કાલુપુર મેટ્રો સ્ટેશન પર એક મુસાફર 4.59 લાખ રોકડ ભરેલી બેગ ભૂલી જતા મેટ્રો સેવાના સુરક્ષા ટીમ અને અન્ય સ્ટાફે મુસાફરને તેની રોકડ બેગ પરત કરીને ઈમાનદારીનો પરિચય કરાવ્યો હતો.
તારીખ 30/04/2025ના રોજ સવારે લગભગ 09:35 કલાકે એક મુસાફર પોતાની રૂપિયા 4,59,000 ની રોકડ ભરેલી બેગ મેટ્રો સ્ટેશન પર ભૂલી ગયા હતા. સ્ટેશન પર હાજર સુરક્ષા ટીમ અને સ્ટાફની સતર્ક નજરને કારણે બેગ ઝડપથી નોંધવામાં આવી. SRP દ્વારા યોગ્ય ચકાસણી બાદ બેગમાં રોકડ રકમની પુષ્ટિ કરવામાં આવી હતી.
મેટ્રો સ્ટાફ દ્વારા ઝડપથી જરૂરી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ જ્યારે મૂળ માલિક બેગ પરત લેવા માટે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે સ્ટેશન કંટ્રોલરની ઉપસ્થિતિમાં જરૂરી ચકાસણી બાદ બેગ અને તેની અંદર રહેલી રોકડ રકમ સલામત રીતે પરત કરાઈ.
આ સમાચાર પણ વાંચો : INS Surat Warship: ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું
પોતાનો કિંમતી સામાન પરત મળતાં મુસાફર ખૂબ જ ભાવુક બની ગયા અને મેટ્રો સ્ટાફની ઈમાનદારી અને અસરકારક કામગીરી માટે દિલથી આભાર વ્યક્ત કર્યો તેમજ મેટ્રો સ્ટાફનો આભાર માનતાં ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હોવાનું મેટ્રો સેવા તંત્રએ જણાવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.