Site icon

Air India Plane Crash :અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો, FSLની ટીમે રેકોર્ડબ્રેક 72 કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરી

Air India Plane Crash :. આવા કપરા સમયે FSLની ટીમે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન સાધીને તુરંત જ હોસ્પિટલ ખાતે પહોંચી રહેલા મૃતદેહ, માનવ અવશેષોમાંથી DNA પરીક્ષણ માટેના નમૂના લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી.

Air India Plane Crash Gujarat minister lauds forensic experts working overtime for DNA testing of plane crash victims

Air India Plane Crash Gujarat minister lauds forensic experts working overtime for DNA testing of plane crash victims

News Continuous Bureau | Mumbai

Air India Plane Crash :

Join Our WhatsApp Community

ગુજરાત તા. ૧૨ જૂન, ૨૦૨૫ના ગોઝારા દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત-બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું, ત્યાં એક અદ્રશ્ય છતાં અત્યંત મહત્વપૂર્ણ ટીમ પણ પોતાના કર્તવ્યપથ પર અડગ હતી – ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ. FSLની ટીમે સંવેદના અને વિજ્ઞાનના સંગમનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. આ દુર્ઘટના સમયે ઘટનાસ્થળ પર ચારેબાજુ વિમાનના કાટમાળ વચ્ચેથી મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરવી એ ખૂબ જ મોટો પડકાર હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી માત્ર ગણતરીની ક્ષણોમાં જ FSLની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ ઘટનાની ભયાવહતા સમજાઈ ગઈ હતી. મૃતદેહો અને માનવ અવશેષોને રાહત-બચાવ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા. આવા કપરા સમયે FSLની ટીમે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન સાધીને તુરંત જ હોસ્પિટલ ખાતે પહોંચી રહેલા મૃતદેહ, માનવ અવશેષોમાંથી DNA પરીક્ષણ માટેના નમૂના લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી.

આ સંદર્ભે ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ શ્રી એચ. પી. સંઘવીએ કહ્યું હતું કે, આ દુર્ઘટના FSL માટે માત્ર એક “કેસ” નહિ, પરંતુ અસંખ્ય પરિવારોની આશા અને સંવેદનાનો વિષય હતો. એટલા માટે જ, મૃતકોની DNA પ્રોફાઈલીંગ દ્વારા ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પાર્થિવ દેહ તેમના પરિવારજનોને ઝડપથી સોંપી શકાય તે માટે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ FSL ટીમોને તુરંત જ ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવી હતી. 

ઓળખ ન થઈ શકે તેવા અવશેષોમાંથી એકત્ર કરાયેલા DNA સેમ્પલનું પરીક્ષણ જટીલ હોવાથી મૃતકોના દરેક સેમ્પલને કાળજીપૂર્વક FSL-ગાંધીનગરની લેબમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે, મૃતકોના સગા-સંબંધીઓના DNA સેમ્પલ એકત્ર કરવાથી લઈને DNA પ્રોફાઈલીંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવી હતી. આ બંને જગ્યાએ મળીને કુલ ૫૪ DNA નિષ્ણાતોની ટીમ દ્વારા દિવસ-રાત મૃતકો તેમજ તેમના સગા-સંબંધીઓના DNA પ્રોફાઈલીંગ-મેચિંગ માટેના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

FSLની મુલાકાત લઈને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ DNA પરીક્ષણ કામગીરીની સતત સમીક્ષા કરીને FSLની ટીમને પ્રોત્સાહિત કરી હતી. FSL ટીમના નિષ્ણાતોની ફરજનિષ્ઠા અને ફરજ પ્રત્યેના સમર્પણને પણ શ્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Vijay Rupani Funeral: આજે થશે ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, પત્ની અંજલિ અને પરિવારને સન્માનભેર સોંપાયો પાર્થિવ દેહ, સર્જાયા ભાવુક દ્રશ્યો..

વધુમાં જણાવ્યા મુજબ FSLના યુવાન અને ઉત્સાહી વૈજ્ઞાનિકો, ટેકનિશિયનો અને સહાયકોની ટીમ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઊંઘ, આરામ અને પરિવારને ભૂલીને દિવસ રાત જોયા વગર DNA પ્રોફાઇલિંગ જેવી ફોરેન્સિક તકનીકોનો ઉપયોગ કરીને મૃતદેહોને તેની સાચી ઓળખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. FSLના ૫૪ DNA નિષ્ણાતો પૈકી ૨૨ નિષ્ણાત મહિલાઓ છે. જેમાંથી ઘણી મહિલાઓ પોતાના ત્રણ વર્ષ કરતા પણ નાના બાળકની સારસંભાળની જવાબદારી હોવા છતાં લેબમાં છેલ્લા ચાર  દિવસથી મૃતકોને ઓળખ આપવાની કામગીરી કરી રહી છે.

આવું જ એક ઉદાહરણ એક DNA નિષ્ણાતનું છે, જેમની માતાનું હૃદય માત્ર ૨૦ ટકા જ કાર્ય કરી રહ્યું હોવાથી તેમની તાત્કાલિક સર્જરી થવાની હતી. છતાં પણ આ અંગત મુશ્કેલીઓને બાજુમાં મૂકીને આ DNA નિષ્ણાતે મૃતકોના DNA પરીક્ષણની કામગીરી પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા દાખવી છે. FSL ખાતે દિવસ રાત કામ કરી રહેલી આ નિષ્ણાતોની ટીમ નિઃસ્વાર્થતા અને ફરજ પ્રત્યેના સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતની FSL ટીમે મૃતકની ઝડપથી ઓળખ કરવાની કામગીરીને પ્લાનિંગ સાથે તેજ બનાવી હતી, જેના પરિણામે સ્વરૂપે FSLની ટીમને ૭૨ કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી છે. બે દાયકા પહેલાના સમયમાં DNA પરીક્ષણથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં લગભગ ૫ થી ૧૦ દિવસ જેટલો સમય લાગતો હતો. જેની સામે અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ અદ્યતન FSL લેબ, DNA કામગીરી માટેની અદ્યતન મશીનરી અને નિષ્ણાતોની સક્ષમ ટીમના પરિણામે લગભગ ૭૨ કલાકમાં જ મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી રહી છે. 

અતિ જટીલ અને સંવેદનશીલ કામગીરીના અંતે FSLની ટીમે અત્યાર સુધીમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના અનેક મૃતદેહોની ઓળખ કરવામાં અકલ્પનીય સફળતા મેળવી છે. FSLની ટીમના અથાગ પ્રયાસોને કારણે, શોકગ્રસ્ત પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી મળી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં FSL ટીમનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. તેમણે માત્ર વૈજ્ઞાનિક પુરાવા જ નહીં, પરંતુ માનવીય સંવેદનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. FSLની આ અદ્રશ્ય મહેનત અને અડગ સમર્પણ, એક ભયાનક દુર્ઘટનાના ઘા રૂઝાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version