- 23 જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી
- નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
Ahmedabad District: અમદાવાદ ખાતે ડિસેમ્બર મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
જિલ્લા કક્ષાના આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ 23 જેટલા અરજદારો હાજર રહ્યા હતા. તમામ અરજદારોની સમસ્યાને ડીડીઓશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત તેમણે વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ લાવવાની સૂચના પણ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.
આ સમાચાર પણ વાંચો :Bal Shakti Puraskar: ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા
આ સ્વાગત કાર્યક્રમમાં 23 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા, જમીન કપાતના વળતરની રકમ ચૂકવવા બાબત, ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવા, પેવર બ્લોકના સમારકામ, 7/12માં થયેલ ક્ષતિ સુધારવા બાબત, એસ.ટી. સ્ટોપ આપવા બાબત જેવા અનેક પ્રશ્નોનો જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેએ સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો.
પોતાની સમસ્યાનું નિરાકરણ આવતા તમામ અરજદારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. અને તમામ અરજદારો એ સ્વાગત કાર્યક્રમની પહેલને બિરદાવી સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ભાવિન સાગર સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનો સ્વાગત કાર્યક્રમ એ જનસામાન્યના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવાનું માધ્યમ બની ગયો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.