- DESH- ડિજિટલ એમ્પાવરમેન્ટ સર્વિસીસ હબની મદદથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને ગવર્ન્મેન્ટ ટુ સિટિઝન સર્વિસીસ, એડ્યુટેક, ફિનટેક, એગ્રિટેક અને ઈ-કોમર્સ સહિતની સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ
- કેન્દ્રીય દૂરસંચાર સચિવ શ્રી નીરજ મિત્તલ સહિતના પ્રતિનિધિ મંડળે ઈ-શાળાની મદદથી અભ્યાસ કરતાં બાળકો સાથે સંવાદ કર્યો
- રેલવે બ્રોડબેન્ડ સર્વિસીસ અને DESH- ડિજિટલ એમ્પાવરમેન્ટ સર્વિસીસ હબ આધારિત રાઉટર થકી ૨૦થી ૧૦૦ MBPSની સ્પીડ સાથે ઓટીટી અને આઈપીટીવીની સુવિધાઓ પણ મળશે
કેન્દ્રીય દૂરસંચાર સચિવ શ્રી નીરજ મિત્તલ સહિતના પ્રતિનિધિમંડળે આજે અમદાવાદ જિલ્લામાં ભારતનેટ આધારિત હાઇસ્પીડ કનેક્ટિવિટીનો અનુભવ કરવા દસક્રોઈ તાલુકાની વહેલાલ ગ્રામપંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને જી-શાળાની મદદથી ઘરે બેઠાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
દેશના પ્રત્યેક નાગરિક સુધી ઇન્ટરનેટ પહોંચડવા અને ડિજિટલ કનેક્ટિવિટી થકી પ્રત્યેક નાગરિકને માળખાકીય સુવિધા પહોંચતી કરવા માટે વડાપધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન થકી દેશમાં ડિજટલ ક્રાન્તિનો પાયો નખાયો છે, ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડતી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
જેના થકી રાજ્યના ૨૨ જિલ્લાની ૮,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને આવરી લઈ ગુજરાત આજે ૯૫ ટકાથી વધુ નેટવર્ક અપટાઇમ સાથે રાષ્ટ્રીયસ્તરે સર્વોચ્ચ છે. જેને હજી વધારે નાગરિકો સુધી પહોંચાડવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. જેની સાથે રેલટેલ પણ જોડાઈ છે. જે અંતર્ગત ૨૦ એમબીપીએસથી માંડીને ૧૦૦ એમબીપીએસની સ્પીડવાળું બ્રોડબેન્ડ કનેક્શન આપવાની સાથે ઓટીટી અને આઈપીટીવીની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. જેને DESH- ડિજિટલ એમ્પાવરમેન્ટ સર્વિસીસ હબ નામ આપવામાં આવ્યું છે.
દરમિયાન, આજે કેન્દ્રીય પ્રતિનિધિ મંડળે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની વહેલાલ ગ્રામ પંચાયતમાં ‘ડિજિટલ સેવા સેતુ’(ઈ-ગ્રામ) દ્વારા કરવામાં આવતી વિવિધ ઈ-ગવર્નન્સ સેવાઓ વિશે માહિતી મેળવી હતી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ, ઇન્ટરનેટ આધારિત સેવાઓ વિશે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ DESH સર્વિસીસ આધારિત ડિજિટલ રાઉટર દ્વારા જી-શાળાના માધ્યમથી ઘરેબેઠાં અભ્યાસ કરતાં બાળકો સાથે સંવાદ કર્યો હતો અને તેની ઉપયોગિતા વિશે પણ માહિતી મેળવી હતી.
આ અંગે રેલટેલના ટેરિટરી મેનેજર શ્રી શરદ શર્માએ કેન્દ્રીય દૂરસંચાર સચિવ શ્રી નીરજ મિત્તલ તેમજ રાજ્યના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગનાં અગ્રસચિવ શ્રીમતી મોના ખંધારને વિગતો આપતાં જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયાના ફેસ-ટુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત સ્ટેટ ડેટા સેન્ટર, ગાંધીનગરથી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક રાજ્યની ગ્રામ પંચાયતો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Gandhinagar Municipal Corporation : ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની
રેલટેલના સહયોગથી શરૂ કરવામાં આવેલી DESH સર્વિસીસ અંતર્ગત ગ્રાહકોને આશરે સાડા ચાર હજારથી વધુની કિંમતનું ડ્યૂઅલ બેન્ડ રાઉટર નિઃશુલ્ક આપવામાં આવે છે. જે ગૂગલ સર્ટિફાઇડ છે. જેના થકી અલગ વાઈ-ફાઈ રાઉટરના સ્થાને એક જ ડિવાઇસમાં તમામ સુવિધાઓ મળી રહે છે. આ રાઉટર એક મિનિ કોમ્પ્યૂટરની જેમ કામ કરે છે અને તેના દ્વારા જૂની પેઢીના સીઆરટી ટીવીને પણ આ બોક્સથી આધુનિક ફીચર્સ સાથે ઉપયોગમાં લઈ શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
એટલું જ નહીં, ડિજિટલ ભારત નિધિના સહયોગથી દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેલિકોમ્યુનિકેશનની સુવિધા પહોંચાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ સંયુક્ત પહેલ કરવામાં આવી છે. જેના દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગ્રાહકો વગેરે ઇલેક્ટ્રોનિક અને મૂલ્યવર્ધિત સેવાઓ દ્વારા સીધા જોડાઈ શકશે, જે વંચિત ગ્રામજનોનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.