News Continuous Bureau | Mumbai
World No Tobacco Day 2025 : 31મી મેના દિવસને ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા 1987માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર, હૃદયરોગ અને શ્વસન સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવાનો છે.
આ દિવસે લોકોમાં તમાકુ નાબૂદી અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ તેમજ લોકોમાં તમાકુથી થતાં રોગોની જાણકારી માટે સેમિનાર, રેલી, પ્રતિજ્ઞા, રંગોળી, કાર્ડ પ્રદર્શન જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં COTPA-2003 અધિનિયમની કડક અમલવારી થાય તે હેતુથી વિવિધ વિસ્તારોમાં જેમ કે, જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો જેવી જગ્યાએ ડ્રાઈવ યોજવામાં આવે છે અને જાહેરમાં વ્યસન કરતાં લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે.
વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ, કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજી તેઓને પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા વ્યસનથી થતા નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત શાળા કોલેજની નજીક તમાકુ ન વેચવા અંગે પણ દુકાનદારોને સમજાવવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Ration card E KYC : ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ
અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25 માં આરોગ્ય વિભાગ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે તમાકુ નિયંત્રણ અંતર્ગત COTPA 2003 અધિનિયમ હેઠળ કુલ 560 જેટલા વ્યક્તિઓને દંડ કરી રૂ.46,450 ની વસુલાત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોમાં તમાકુ અંગે જાગૃતતા આવે અને તમાકુના વ્યસનથી દૂર રહે તે માટેના નિયંત્રણનો કાયદો COTPA 2003 અધિનિયમ અમલમાં છે. જેના અંતર્ગત કાયદાના ભંગ બદલ વિવિધ કલમો કલમ-૪, કલમ-૫, કલમ-૬ (અ), કલમ-૬ (બ) અને કલમ-૭ મુજબ વિવિધ દંડ કરવામાં આવે છે. વિગતે વાત કરીએ તો, કલમ-૪ માં જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ છે. કલમ-૫ માં તમાકુની જાહેર/પ્રચાર સ્પોનસરશીપ પર પ્રતિબંધ છે. કલમ-૬ (અ) માં સગીર વયની વ્યક્તિઓને અને તેમના દ્વારા તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે. કલમ-૬ (બ)માં શૈક્ષણિક સંસ્થાઓ પાસે તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ છે અને કલમ-૭માં તમાકુની બનાવટ પર સચિત્ર આરોગ્ય ચેતવણીઓ દર્શાવવી આવશ્યક છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.