News Continuous Bureau | Mumbai
- રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે
ગાંધીનગર, 7 જાન્યુઆરી: ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’ માં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડવામાં આવશે.
વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ
રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર-ટુ-ફેમિલિ) પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત GFGNL દ્વારા, ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ-એડેડ-સેવાઓ (VAS) જેવી કે વાઇ-ફાઇ સેવા, કેબલ TV (ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલ્સ), ઓ. ટી. ટી. (ઓવર-ધ-ટોપ ટેલિવિઝન) અને ગેમિંગનો આનંદ મળી રહે તે હેતુથી, વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH (ફાઈબર-ટુ-હોમ) જોડાણ આપવામાં આવશે. ત્યારબાદ, ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુ ને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Western Railway:પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટુ સિટિઝન્સ (G2C) જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ઓનલાઇન એજ્યુકેશન (ઇ-એજ્યુકેશન), કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન્સ, ઇ-એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અને ટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘરબેઠા જ ઉપલબ્ધ થઈ શકશે.
આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને ‘સ્માર્ટ હોમ્સ’ રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો પ્રદાન કરી શકાશે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ચાર નવી પહેલો
રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળના ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા ચાર નવી પરિવર્તનકારી પહેલો ગયા મહિને 25 ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. આ પહેલોમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઈબર-ટુ-ફેમિલી) પહેલ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી – ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ પહેલ, ફાઈબર-ટુ-ફાર ફ્લંગ ટાવર્સ’ પહેલ, તેમજ શહેરી કક્ષાએ કનેક્ટિવિટીની પહેલનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : India Taliban News: તાલિબાન નહીં બને ભારત માટે ખતરો… અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપ્યું આશ્વાસન, પાકિસ્તાનનું વધશે ટેનશન…
આ પહેલો હેઠળ, રાજ્યના ગ્રામ્ય પ્રજાજનોને સરળતાથી ડિજિટલ કનેક્ટિવિટી મળે તે હેતુથી ગ્રામીણ સરકારી કચેરીઓને ભારતનેટ નેટવર્ક થકી રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડવામાં આવશે, જે ઇ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, GFGNL શહેરી વિસ્તારોમાં પણ સરકારી કચેરીઓ માટે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સ્ટેટ લેડ મોડેલ અંતર્ગત ભારતનેટ ફેઝ-૩ (અમેન્ડેડ ભારતનેટ પ્રોગ્રામ) માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા પસંદ કરવામાં આવેલું પ્રથમ રાજ્ય છે, જેના અંતર્ગત મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (MoC) પર કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર થયેલ છે. ગુજરાત રાજ્ય ભારતનેટ ફેઝ-૨ પ્રોજેક્ટ માળખા તેમજ ઉપયોગિતામાં અગ્રેસર રહેલ છે, આ સાથે ભારતનેટ ફેઝ-૩માં પણ અગ્રેસર રહેવા માટે કટિબદ્ધ છે.
ઉપરોક્ત ચાર પરિવર્તનકારી પહેલ થકી આગામી સમયમાં ગુજરાત સરકાર કનેક્ટેડ ગવર્મેન્ટ, કનેક્ટેડ સિટિઝન્સ, કનેક્ટેડ કમ્યુનિટી અને કનેક્ટેડ બિઝનેસનો લક્ષ્યાંક સાકાર કરશે. ગ્રામીણ સમુદાયોના સશક્તિકરણ થકીના આ પ્રયાસો ડિજિટલ ગુજરાતની યાત્રાને વધુ વેગ આપશે જે વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયાના વિરાટ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.