News Continuous Bureau | Mumbai
- “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતની મહિલા ઉદ્યોગકારોની ભૂમિકા નિર્ણાયક: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- ગુજરાત સરકારની મહિલા ઉત્થાનની નીતિઓના પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની: મુખ્યમંત્રીશ્રી
- રાજ્યની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને સ્વાવલંબી બનાવવાના પ્રયાસો કરવા મુખ્યમંત્રીશ્રીનો FICCI FLOના સદસ્યોને અનુરોધ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – લેડીસ ઓર્ગેનાઈઝેશન (FICCI–FLO)ની મહિલા સદસ્યો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન FICCI FLOના અધ્યક્ષ શ્રી શિવાની પટેલ ઉપરાંત FICCI FLOની મહિલા સદસ્યાઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીશ્રી સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતની મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતના કોઈપણ સ્થળે મહિલા નીડરતાથી સુરક્ષિત રીતે વેપાર-ઉધ્યો કરી શકે તે પ્રકારની અનેક સુવિધાઓ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે. રાજ્ય સરકારની મહિલા ઉત્થાનની યોજનાઓ અને નીતિઓને પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ તેમણે સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસ પર ભાર મૂકીને દરેક ક્ષેત્રે અનેકવિધ નવતર પહેલ કરી છે. તેમણે ઉદાહરણ આપતા ઉમેર્યું હતું કે, જળ સંચય માટે વડાપ્રધાનશ્રીએ “કેચ ધ રેઇન” અભિયાન, સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા “સ્વચ્છ ભારત મિશન” તેમજ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે ગ્રીન કવરેજ વધારવા “એક પેડ માં કે નામ” જેવા અનેક અભિયાન તેમણે શરુ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેમીકંડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવીએ દેશને વિશ્વનું સેમીકોન હબ બનાવવા વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી ગુજરાતમાં સેમીકંડક્ટર ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. પરિણામે હવે દેશની સૌપ્રથમ સેમીકંડક્ટર ચીપનું નિર્માણ પણ ગુજરાતમાં જ થશે. આટલું જ નહિ, વર્ષ ૨૦૦૩માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ” જેવા ફ્લેગશીપ કાર્યક્રમનું તેમણે વિચારબીજ વાવ્યું. જેના પરિણામે આજે ગુજરાતમાં વિશ્વના ટોચના ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે.
આ ઉપરાંત અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે તેમણે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવી આગવી પહેલ કરી છે. જેના પરિણામ સ્વરૂપે આજે સોઈથી લઈને વિમાન સુધીની અનેકવિધ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ દેશમાં જ થઇ રહ્યું છે. રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર વધુ સરળીકરણ માટેના પ્રયત્નો કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી બનતા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે નાગરિકોના ચારિત્ર ઘડતરમાં મદદરૂપ થાય તે પ્રકારે “સાંસ્કૃતિક યોદ્ધા”ની પણ એક આગવી પહેલ શરૂ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, દીકરીઓને યોગ્ય ભણતર આપવા માટે પણ અમારી સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓના માધ્યમથી રાજ્યની દીકરીઓ તેમના જીવનમાં અનેક નવા આયામો સર કરવા સક્ષમ બની છે. પહેલાના સમયમાં ગુજરાતના આદિવાસી પટ્ટાની દીકરીઓમાં શિક્ષણનો અભાવ હતો, પરંતુ વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી આજે આદિવાસી વિસ્તારની દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, આદિવાસી દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણી રહી હોવાથી, રાજ્ય સરકારે તેમના વિસ્તારમાં મેડિકલ કોલેજો શરૂ કરીને તેમની વધુ સારી કારકિર્દી બનાવવા માટેના પ્રયાસો કર્યા છે, તેમ તેમણે કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Rishikesh-Karnaprayag rail project:2 કલાકમાં ઋષિકેશ થી કર્ણપ્રયાગ નો યોગ, યોગ થી તપ ની કનેક્ટિવિટી
મહિલા સ્વાવલંબનના હેતુને વધુ વેગવાન બનાવવા માટે તમારા જેવી મહિલા ઉદ્યોગ સાહસિકોનું યોગદાન મહત્વપૂર્ણ છે, તેમ જણાવી FICCI FLOની મહિલા સદસ્યોને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓને મદદરૂપ થઇ તેમને સ્વાવલંબી બનાવવા માટેના પ્રયાસો કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.