News Continuous Bureau | Mumbai
Gujarat :
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ નવીન બસોમાં બેસીને તેનું નિરીક્ષણ કર્યું
- ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપરકોચ મળી કુલ ૨૦૧ નવીન બસો ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોના નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) રામકથા મેદાન-ગાંધીનગર ( Gandhinagar ) ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી, અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં મળી કુલ ૨૮૧૨ જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપરકોચ મળી કુલ ૨૦૧ નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો ૩૩ જિલ્લાના ૭૮ ડેપો દ્વારા ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.
આ સમાચાર પણ વાંચો : DoT : DoTએ ગભરાટ ફેલાવવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય નંબરો પરથી થતા મેલિશિયસ કૉલ્સ અંગે નાગરિકોને સલાહ આપી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ( Gujarat ) એસ.ટી. નિગમ દ્વારા દરરોજ ૮૦૦૦થી વધુ બસોથી રાજ્યમાં કુલ ૩૩ લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, ૨૫ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે.
નવીન બસોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષભાઈ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ. ડી. શ્રી એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.