News Continuous Bureau | Mumbai\
Special Olympics World: ઇટલીના તુરીનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે તુરીનમાં ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કર્યું છે. ફ્લોરબૉલ એ હોકી જેવી એક ઇન્ડોર ગેમ છે, જે હળવા પ્લાસ્ટિક બૉલ અને વિશિષ્ટ કાર્બન ફાઈબર સ્ટિક સાથે રમવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 8થી 15 માર્ચ 2025 દરમિયાન તુરીન, ઇટલી ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ભારતના 30 એથ્લિટ્સે જુદી-જુદી રમતમાં ભાગ લીધો હતો, જે પૈકી આશાબેન ઠાકોર અને પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
ખેલમહાકુંભનું આયોજન
આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક્સના સંદર્ભમાં ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાત’ એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા માન્યતા પ્રાપ્ત નોડલ સંસ્થા છે. વર્ષ 2010થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા દિવ્યાંગ કેટેગરી માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે. તેમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ક્વોલિફાઇડ થાય છે અને વિવિધ દેશોમાં દર 2 વર્ષે યોજાતી વર્લ્ડ ગેમ્સ માટે તેમની પસંદગી કરવામાં આવે છે. આશાબેન અને પીન્કલબેનના આંતરરાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનવા પાછળ પણ ખેલ મહાકુંભે મહત્વની ભૂમિકા ભજવી છે. આ બંને ખેલાડીઓ 2010થી ગુજરાત સરકાર દ્વારા યોજાતા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લે છે અને વિજેતા બને છે.
આ સમાચાર પણ વાંચો: Nyay Abhyudaya – The Techno Legal Fest 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “ન્યાય અભ્યુદય – ધ ટેક્નો લિગલ ફેસ્ટ ૨૦૨૫”નો NFSU ખાતે પ્રારંભ કરાવ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી ખેલ મહાકુંભની શરૂઆત
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનું નિર્માણ થાય તે ઉદ્દેશથી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ખેલ મહાકુંભમાં ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં રમતના વિકાસનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ 2010માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે વર્ષ 2024-25માં ખેલ મહાકુંભ 3.0માં વધીને રેકોર્ડ બ્રેક 71,30,834 સુધી પહોચ્યું છે.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે લૉન્ચ કરાઈ સ્પોર્ટ્સ પોલિસી 2022-2027
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી હતી જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે. ગુજરાતમાં આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે.
ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 141 ગણું વધીને ₹352 કરોડથી વધુનું થયું
ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાંકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને ₹352 કરોડથી વધુનું થયું છે.