ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મુંબઈ મહાનગરપાલિકાની બુધવારે થનારી સ્ટેન્ડિંગ કમિટીમાં સપાટો બોલાવાનો છે. એકી સાથે 200 જેટલા પ્રસ્તાવ મંજૂરી માટે આવવાના છે, તેની સામે અત્યારથી ભાજપે બૂમાબૂમ કરી મૂકી છે.
હાલની મુંબઈ મહાનગરપાલિકાની મુદત સાત માર્ચના પૂરી થશે. એ અગાઉ બીજી માર્ચના સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મિટિંગ થવાની છે. તેથી સત્તાધારી શિવસેના એ અગાઉ મોટાભાગના પ્રસ્તાવ મંજૂર કરાવી લેવા માગે છે, જેથી આગામી પાલિકાની ચૂંટણીમાં તેનો ફાયદો મેળવી શકાય.
બુધવારની સ્થાયી સમિતિની મિટીંગમાં પાલિકાના જુદા જુદા ખાતાના લગભગ ૨૦૦ જેટલા પ્રસ્તાવ મંજૂરી માટે મુકવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકાના ઈતિહાસમાં કદાચિત પહેલી એકી સાથે આટલી મોટી સંખ્યામાં પ્રસ્તાવ મંજૂરી માટે લાવવામાં આવ્યા છે.
આ મિટીંગ માટે શુક્રવાર સુધીમાં જુદા જુદા ખાતાના ૧૭૯ પ્રસ્તાવ પાલિકાના સેક્રેટરીયલ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યા હતા, તેમાં છેલ્લી ઘડીએ 25થી વધુ પ્રસ્તાવ જોડવામાં આવ્યા હતાં.
સાત માર્ચના પાલિકાની મુદત પૂરી થવાની સાથે જ તેને બરખાસ્ત કરાશે. એ સાથે જ પાલિકા પર એડમિનિસ્ટ આવી જશે. તેથી સત્તાધારી પાર્ટીને ચૂંટણી પહેલા આ પ્રસ્તાવ મંજૂર કરાવી લેવાની ઉતાવળ છે.