ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
મુંબઈ કોરોનાની બીજી લહેરમાંથી મુક્ત થવાની દિશામાં છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાનું ટૅન્શન ફરી વધી ગયું છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ કોવિડ-19 આ નવા વેરિયન્ટના 21 કેસ નોંધાયા છે, એમાં મુંબઈના બે કેસ છે. કોરોનાનો આ નવા વેરિયન્ટને B.1617.2 તરીકે ઓળખાય છે.
મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના ચાર જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. જેમાં મુંબઈમાં 2, થાણેમાં 1, રત્નાગિરિમાં 9, જળગાંવમાં 7, પાલઘર તથા સિંધુદુર્ગમાં એક-એક કેસ નોંધાયો છે. આ શહેરોમાં લેવામાં આવેલા નમૂનામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા છે. જેમાં સૌપ્રથમ રત્નાગિરિમાં મે મહિનામાં આ વાયરસ મળી આવ્યો હતો. ગયા મહિનાથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 7,500 સેમ્પલ ટેસ્ટ કરવા માટે પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી અને નવી દિલ્હીની CSIR ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ ઍન્ડ ઇન્ટરગ્રેટિવ બાયલૉજીમાં મોકલવામાં આવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિયન્ટને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. એથી કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ફરી ધરખમ વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. મુંબઈ બીજી લહેરમાંથી માંડ બહાર આવ્યું છે ત્યારે નવા ડેલ્ટા પ્લસના બે કેસ મળી આવવાને કારણે પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાની પહેલી લહેરમાં 19 લાખ, બીજી લહેરમાં 40 લાખ દર્દી નોંધાયા હતા, તો ત્રીજી લહેરમાં કેસમાં હજી વધારો થઈ શકે છે. એમાં પણ 10 ટકા બાળકોને પણ કોરોનાનું જોખમ રહેલું છે.