ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
મુંબઈ પોલીસે બીચ પેટ્રોલિંગ માટે ખરીદેલા 13માંથી ચાર ઘોડા જઠરાંત્રિય રોગને કારણે મૃત્યુ પામ્યા છે. આ ઘોડા જાન્યુઆરી 2020માં ખરીદવામાં આવ્યા હતા. કૉલિક નામે ઓળખાતો આ રોગ ગૅસ થવો, ઇન્ફેક્શન, વધારે પડતું ખાઈ લેવું અને રેતી ખાવાથી થાય છે. ઘોડાઓની કુલ સંખ્યામાંથી સાત અરેબિયન અને છ ભારતીય છે. સાત અરેબિયનમાંથી, ચાર – પદ્મકોષ, શિવાલિક સ્કાઇઝ, ડિવાઇન સોલિટેર અને બીકવર્ક – કોલિક રોગને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે કે અન્ય બીમાર ભારતીય ઘોડાને નિવૃત્ત કરાયા છે.
મુંબઈ પોલીસ કમિશનર સુબોધ કુમાર જયસ્વાલે વર્ષ 2018માં 1.5 કરોડ રૂપિયાને ખર્ચે દરિયાકિનારે તહેનાત કરવા 30 ઘોડા મેળવવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ ઘોડાઓ માટે મુંબઈ પોલીસે મરોલમાં તબેલો તૈયાર કર્યો હતો તથા તેમને તાલીમ પણ આપી હતી. પૅટ્રોલિંગના કામ માટે જુહુ અને ગિરગાવ બીચ પર લઈ જવા તબેલાની બહાર હંમેશાં ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવતી હતી. ઍમ્બ્યુલન્સમાં તેમના માટે ખોરાક અને પાણી પણ લઈ જવાતાં હતાં. તબેલામાં ડૉક્ટર અને દવાઓ ઉપલબ્ધ રાખતી હતી. વધુમાં પરેલના પશુચિકિત્સાલયના ડૉક્ટર અને મુંબઈ રેસકોર્સ ઘોડાઓની તબિયત વિશે પરસ્પર સંપર્કમાં રહેતા હતા.
પરેલ પશુચિકિત્સા હૉસ્પિટલના ડૉક્ટર લોખંડેએ મીડિયાને કહ્યું હતું કે ‘કૉલિક એક પ્રકારની પેટની બીમારીને કારણે થાય છે, જે અપચાને લીધે થાય છે. આના અનેક પ્રકાર છે. જો ઘોડો ઓછું ખાય કે વધારે ખાય તો પણ આ રોગ થઈ શકે છે. કેટલીક વાર પેટમાં ગૅસ થાય છે. જેના કારણે પેટમાં શૂળ ઊઠે છે. ઘોડાઓમાં કૉલિક સામાન્ય બીમારી છે. પરંતુ આ કેસમાં બીમારીની જાણ મોડી થતાં ઇલાજમાં પણ વિલંબ થયો હતો. સર્જરી પણ કરી શકાય છે પરંતુ એ હંમેશાં સફળ નથી રહેતી.’