ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
બોરીવલી પશ્ચિમમાં વજીરા નાકા પાસે આવેલું ગણપતિ મંદિર તેની ધાર્મિક મહત્તા માટે જાણીતું છે. અહીં ઘણી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. પરંતુ આ મંદિરની પાછળ આવેલા તળાવમાં એક નવું સૌંદર્ય જોવા મળ્યું છે.
વજીરા નાકા ના આ તળાવમાં આજની તારીખમાં અસંખ્ય કાચબાઓ છે. અહીં કાચબાઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે સ્થાનિક લોકો તેનો આંકડો 1000ની આસપાસ કહે છે.
જોકે કાચબાઓની વસ્તી ગણતરી થઇ નથી. પરંતુ જ્યારે કોઇ મુલાકાતી આ તળાવની પાસે આવે છે ત્યારે તેને સહજ રીતે 80 થી 90 કાચબાઓ દેખાઈ જાય છે.
આ તમામ કાચબાઓ દેશી પ્રજાતિના છે તેમ જ તડકામાં શેકવા માટે કાળા પથ્થર પર ચડીને બેઠા હોય છે. આ સિવાય અમુક ધર્માદા માં વિશ્વાસ કરનાર લોકો કાચબાઓને અન્ન પણ પૂરું પાડે છે.
જોકે અહીંના સ્થાનિક વસવાટ કરી રહેલા લોકો મંદિર તેમજ તળાવમાં ખૂબ ધ્યાન રાખે છે એટલે આ પ્રાકૃતિક સૌંદર્ય અહીં ખીલી શક્યું છે.