ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર, 2021
મંગળવાર
દક્ષિણ આફ્રિકા અને યુરોપિયન દેશોમાં ઓમિક્રોનનો ઝડપી પ્રસાર સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય છે. આ કારણે ઘણા દેશોએ તેમની હવાઈ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવા સમયે જ્યારે નવા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ ચોંકાવનારી માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 19 દિવસમાં દક્ષિણ આફ્રિકાથી લગભગ એક હજાર પ્રવાસીઓ મુંબઈ આવ્યા છે. આ માહિતી ચિંતાજનક છે. મુંબઈને માથે સંક્રમણનો ખતરો બેઠો છે.
ભારતમાં કેન્દ્ર સરકારની સૂચના પર બધી રાજ્ય સરકારો પણ દક્ષિણ આફ્રિકા અને યુરોપિયન દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. આવી સ્થિતિમાં આદિત્ય ઠાકરે દ્વારા આપવામાં આવેલી આ માહિતીએ ચિંતા વધારી દીધી છે.
એકબાજુ સ્કૂલો ખુલવાની છે ત્યારે નવા વેરિએન્ટથી મુંબઈના વાલીઓ ચિંતામાં
મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, 10 નવેમ્બરથી અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાથી લગભગ એક હજાર લોકો મુંબઈ આવ્યા છે. તેમાંથી જેઓ મુંબઈમાં છે તેમનો મહાનગરપાલિકા દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ઠાકરેએ તે પણ માહિતી આપી હતી કે છેલ્લા 19 દિવસમાં વિદેશથી આવેલા તમામ લોકોનો સંપર્ક કરી તેમને ક્વોરેન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.