ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું સંકટ છવાયેલું છે. ત્યારે લગભગ એક અઠવાડિયા બાદ મુંબઈમાં આજે કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા ૫૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. ગત ૨૪ કલાકમાં ૨૯,૮૮૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૧૪ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પહેલાં ૮મી સપ્ટેમ્બરના રોજ ૫૩૦ કોરોના દર્દીઓ નોંધાયા હતા. આજના કોરોના દર્દીઓની સંખ્યા બાદ મુંબઈના અત્યાર સુધીના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭,૩૬,૨૮૪ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મુંબઈમાં ૧૬,૦૩૭ નાગરિકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
ગત મંગળવારે ૨૮,૪૯૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દિવસની કોરોના ટેસ્ટની સંખ્યા ચાલુ મહિના દિવસોની સૌથી ઓછી સંખ્યા હતી. તેવી માહિતી મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ આપી છે. ગત મંગળવારે મુંબઈમાં ૩૬૭ કોરોના દર્દીઓની નોંધ થઈ હતી . ગત મંગળવાર બાદ ચાર દિવસ કોરોના દર્દીઓની સંખ્યા ૪૦૦ના આંકડાથી નીચે રહી હતી. જે આજે ૫૦૦ને પાર કરી ગઇ છે.