ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જુલાઈ 2021
શનિવાર
બૉલિવુડ બાદશાહ અભિતાબ બચ્ચનના જુહુમાં આવેલા પ્રતીક્ષા બંગલાની દીવાલ આખરે તોડી પાડવામાં આવવાની છે. મુંબઈ મહાનગરપાલિકાએ બંગલાની નજીક આવેલા સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવાનો નિર્ણય લીધો હતો. એ માટે ચાર વર્ષ અગાઉ તેમને નોટિસ મોકલવામાં આવી હતી.
જુહુમાં પ્રતીક્ષા બંગલા બહારનો રસ્તો ઇસ્કોન મંદિર તરફ આગળ જાય છે અને લિન્ક રોડ પર ચંદન સિનેમા એરિયાને જોડે છે. આ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થતો હોય છે. એથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રસ્તાને પહોળા કરવાનું મોટા ભાગનું કામ થઈ ગયું છે. ફક્ત પ્રતીક્ષા બંગલા પાસેનું કામ બાકી રહી ગયું હતું.
પાલિકાએ 2017ની સાલમાં અમિતાભ બચ્ચન અને તેમના પડોશમાં આવેલા મકાનના માલિકને રસ્તો પહોળો કરવા માટે થોડી જગ્યા આપવાની માગણી કરી હતી. 2019માં પ્રતીક્ષાની બાજુમાં આવેલા બિલ્ડંગની કમ્પાઉન્ડ વૉલ તોડી પાડી હતી, પણ બંગલાની દીવાલનું કામ બાકી રહી ગયું હતું.
કૉન્ગ્રેસના સ્થાનિક નગરસેવક તુલીપ મિરિન્ડા દ્વારા પાલિકા પર આ કામમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ અનેક વખત થયો હતો. જોકે પાલિકાની કે-વેસ્ટ ઑફિસ દ્વારા સિટી સર્વે ઑફિસ તરફથી પ્રતીક્ષાનો કેટલો ભાગ લેવાનો છે એનો જવાબ આવે એની રાહ જોવામાં આવી રહી હોવાનો જવાબ મળ્યો હતો. એથી આ કામમાં વિબંબ થઈ રહ્યો હોવાનું પાલિકાએ કહ્યું હતું.