ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડીમાં ઉજ્જડ-વેરાન જમીનના ટુકડા પર મુંબઈ મહાનગરપાલિકાએ પામ ગાર્ડન અને સુંગધી ગાર્ડન બનાવ્યું છે. અહીં જુદી જુદી ઔષધી વનસ્પતિઓનાં ઝાડ, સુંગધી ફૂલોની સાથે પામ ટ્રી લગાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં, પણ અહીં નાગરિકો માટે જોગિંગ ટ્રેકની સાથે જ એક્સરસાઇઝ કરવાની સગવડ પણ ઉપલ્બધ કરવામાં આવી છે.
ચીકુવાડીમાં વસંત ઇન પામ, રેડ લૅટિન પામ, ફૉક્સટેલ પામ, ફિશટેલ પામ, બિસ્માર્કિયા પામ, સિલ્વર પામ, સ્વામ્પ ફૅન પામ, લિવ્હેસ્ટોનિયા, મૅજિસ્ટિક પામ જેવી જુદી જુદી જાતનાં પામ ટ્રી છે.
સુંગધી ગાર્ડનમાં પણ અલગ અલગ પ્રકારની સુંગધના છોડ છે. એમાં ગુલાબ, મોગરા, ચાફા, અનંત, કરેણ, કામિની, સાયલી, લિલી, કેવડો જેવાં ફૂલોની સાથે લીલી ચા, બાસમતી, અરડૂસી, તુલસી જેવા ઔષધી વનસ્પતિના પણ છોડ છે.
અહીં દરરોજ ૬૫ હજાર લિટર પાણીની આવશ્યકતા હોય છે. એ માટે ગાર્ડનમાં ખાડા તૈયાર કરીને એમાંથી ઉપલબ્ધ થનારું પાણી વાપરવામાં આવે છે. એને કારણે દરરોજ ૩૦થી ૪૦ હજાર લિટર પાણીની બચત થાય છે.