ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જુલાઈ 2021
શનિવાર
મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં આવેલી 500 હાઉસિંગ સોસાયટીઓમાં વહીવટદારો (ઍડ્મિનિસ્ટ્રેટર)એ પોતાનો મનમાનીભર્યો કારભાર કર્યો છે. તેઓએ રહેવાસીઓની મંજૂરી વગર બિલ્ડિંગને રીડેવલપમેન્ટમાં આપી દીધા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. લગભગ 2,000 કરોડ રૂપિયાના આ રીડેવલપમેન્ટના પ્રસ્તાવ પર સ્ટે આપીને પૂરા પ્રકરણની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ( SIT) મારફત તપાસ કરવાની માગણી ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે કરી છે.
કોરોના મહામારીને પગલે છેલ્લા એક વર્ષથી હાઉસિંગ સોસાયટીઓમાં ચૂંટણી થઈ શકી નહોતી. જે સોસાયટીની કમિટીની મુદત છેલ્લાં બે વર્ષમાં પૂરી થઈ હતી, ત્યાં કોરોનાને પગલે સમયસર ચૂંટણી થઈ શકી નહોતી. તેથી આવી 500થી વધુ હાઉસિંગ સોસાયટીઓમાં પ્રશાસન દ્વારા વહીવટદારોને નીમી દેવામાં આવ્યા હતા.
સરકારના આ પગલાનો જોકે અનેક બિલ્ડરોએ લાભ ઉઠાવ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. બિલ્ડરોએ આ સ્થિતિનો લાભ લઈને વહીવટદારોની સાથે તાલમેલ કરીને હાઉસિંગ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટનું કામ મેળવી લીધું હોવાનો કથિત આરોપ કરવામાં આવ્યો છે.
બાપરેઃ પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં નાગરિકોને 24 કલાક પાણી માટે વેઠવી પડશે હાલાકી
નિયમ મુજબ આ વહીવટદારોને સોસાયટીના મહત્ત્વના નિર્ણયમાં માથું મારવાનું હોતું નથી. છતાં અનેક સોસાયટીઓમાં વહીવટદારો દખલ કરી રહ્યા હોવાની ફરિયાદ આવી છે. વહીવટદારોએ સોસાયટીમાં જનરલ ઍન્યુલ મિટિંગ યોજી નહોતી તેમ જ સોસાયટીના મૅનેજમેન્ટની ગેરહાજરીમાં નિયમોનું ઉલ્લંઘન કરીને બારોબાર રીડેવલપમેન્ટનો પ્રસ્તાવ બિલ્ડરને આપવાનો નિર્ણય લીધો છે, જે ચિંતાજનક બાબત હોવાનો આક્ષેપ આશિષ શેલારે કર્યો છે. આ પૂરા પ્રકરણની તપાસ કરાવવા માટે ડેપ્યુટી કમિશનર અનિલ કવડેને પત્ર લખીને આશિષ શેલારે માગણી કરી છે.