ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020
બેસ્ટ બસ એડમિનિસ્ટ્રેશન દ્વારા મુંબઇકારોને મોટી રાહત આપવામાં આવી છે. આ વખતે મુંબઇમાં કોઈપણ પ્રકારના બસ ભાડામાં વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઇમાં કોરોનાના વધતા પ્રભાવને કારણે સામાન્ય લોકો માટે હજી સુધી લોકલ ટ્રેનો સંપૂર્ણ રીતે શરૂ થઈ શકી નથી. આને કારણે મુંબઇના નાગરિકો શહેરની બીજી જીવાદોરી ગણાતી બેસ્ટની બસોમાં મુસાફરી કરી રહ્યા છે. અનલોકની શરૂઆત સાથે, લોકોને બસમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી હતી. હાલમાં બેસ્ટ બસ દ્વારા દરરોજ 23 લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. મુસાફરોની સંખ્યામાં વધુ વધારો કરવા માટે અને કોરોના કાળમાં બેસ્ટ પ્રશાસને આ વર્ષે ભાડુ ન વધારવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈમાં લોકડાઉન પહેલાં લગભગ 30 લાખ લોકો બેસ્ટ બસમાંથી મુસાફરી કરતા હતા. હાલમાં આ સંખ્યા 23 લાખની છે. શહેરમાં કોરોનાની અસર હજી પણ અકબંધ છે અને કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. આને કારણે, મુંબઈની લોકલ ટ્રેન સેવા હજી શરૂ કરવામાં આવી નથી.
બેસ્ટ વહીવટી તંત્રને ડર પણ છે કે જો તેઓ ભાડુ વધારશે તો મુસાફરોની સંખ્યા ઓછી થઈ શકે છે. જે બેસ્ટની કમાણી પર સીધી અસર કરશે. આને કારણે હાલમાં ભાડુ વધારવાનો કોઈ ઇરાદો નથી.
કોરોનાના દર્દીઓની સંખ્યા જોતા હાલ વેઈટ એન્ડ વૉચની નીતિ અપનાવાઈ રહી છે. હાલમાં મુંબઇમાં લોકલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો નથી. શહેરમાં ફરીથી કોરોના કેસ વધવા માંડ્યા છે. બીએમસી કમિશનરના જણાવ્યા અનુસાર, કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને, 15 ડિસેમ્બર પછી જ લોકલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી નાગરિકોને ખાનગી વાહન અથવા બેસ્ટ બસમાં મુસાફરી કરવી પડશે એ વાત સ્પષ્ટ છે..
