ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આજે મુંબઈગરાને જમીની અને આસમાની એમ બે આફતોનો સામનો કરવો પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં નિર્માણ થયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસરરૂપે મુંબઈ, થાણેમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, તો કેન્દ્ર સરકારના નવા ત્રણ કાયદાનો વિરોધ કરવા ખેડૂતોનાં સંગઠનો દ્વારા આજે ભારત બંધની હાકલ કરવામાં આવી છે. આજના આ બંધને કૉન્ગ્રેસ સહિત 40 સંગઠનોએ સમર્થન આપ્યું છે. આજનું આંદોલન શાંતિપૂર્ણ હશે એવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કૉન્ગ્રેસે શહેરના દરેક મોટા જંક્શન પર રસ્તા રોકો આંદોલનની જાહેરાત કરી છે. એને કારણે મુંબઈ અને થાણેમાં આજે ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા થઈ શકે છે. શહેરમાં આંદોલનને પગલે પોલીસે પૂરતો બંદોબસ્ત કર્યો છે.
લગભગ નવ મહિનાથી ખેડૂતો દિલ્હીની સરહદ પર ધરણા કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો દ્વારા 3 કૃષિ કાયદા રદ કરવાની અને પાછા ખેંચી લેવાની માગણી કરવામાં આવી રહી છે. એને લઈને કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવા આજનો બંધ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક રાજકીય પાર્ટીઓ, ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ કૉન્ફડરેશન વગેરેએ સમર્થન આપ્યું છે. આ આંદોલનમાં 40થી વધુ કિસાન સંગઠનો જોડાયાં છે. જુદા જુદા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું હોવાથી દેશભરમાં એની અસર વર્તાઈ શકે છે. કૉન્ગ્રેસે દેશનાં તમામ મોટાં જંક્શનો પર રસ્તા રોકોની જાહેરાત કરી છે. એથી મુંબઈ સહિત થાણેમાં રસ્તાઓ પર ચક્કા જામ થવાની શક્યતા છે. મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપના કહેવા મુજબ કૉન્ગ્રેસ મુંબઈમાં શહેરના જંક્શન અને રસ્તાઓ પર જોરદાર વિરોધ પ્રદર્શન કરશે. કૉન્ગ્રેસ જબરદસ્તીથી બંધ નહીં કરાવે, તેમ જ લોકોના કામકાજને અસર ન થાય એ રીતે કૉન્ગ્રેસ આંદોલન કરશે. કૉન્ગ્રેસે બંધમાં જોડાવા કોઈને જબરદસ્તી નહીં કરે એવી જાહેરત કરી છે. જોકે તેમના રસ્તા રોકો આંદોલનને કારણે ઑફિસે જનારા લોકોને હેરાનગતિ થવાની શક્યતા છે.
મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યાની સાથે આજે ભારે વરસાદની પણ આગાહી હોવાથી મુંબઈગરાની પરેશાનીમાં હજી વધારો થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં નિર્માણ થયેલા ‘ગુલાબ’ વાવાઝોડાને કારણે સમગ્ર મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રમાં એની ભારે અસર રહેશે, તો કોંકણ રીજનમાં પણ તેનું જોર વર્તાશે. એને કારણે ચંદ્રપુર, ધુળે, મુંબઈ, પાલઘર, રાયગઢ, થાણે, નાશિક, પુણે, સતારા, જળગાંવ, ગઢચિરોલી, યવતમાળા જેવા વિસ્તારમાં બેથી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. મંગળવારે વરસાદનું જોર વધવાની શક્યતા છે.