ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
સોમવારના મહારાષ્ટ્ર બંધને કારણે થયેલા નુકસાનની ભરપાઈ મહાવિકાસ આઘાડી (MVA) સરકારના ત્રણે પક્ષો પાસે કરાવવાની માગણી ભાજપના કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાતખળકરે કરી છે. મુંબઈ હાઈ કોર્ટમાં જઈને ત્રણે પક્ષો પાસેથી નુકસાનીનું વળતર મેળવવાની માગણી પણ કરવાના હોવાની જાહેરાત તેમણે કરી છે.
સોમવારનો મહારાષ્ટ્ર બંધ ગેરકાયદે રીતે જાહેર કરવામાં આવેલો બંધ હતો. એથી આગામી 3 દિવસમાં તેઓ શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ અને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે ત્રણેના વિરોધમાં મુંબઈ હાઈ કોર્ટમાં જવાના છે એવું અતુલ ભાતખળકરે કહ્યું હતું. આ બંધને કારણે થયેલા નુકસાનની ભરપાઈ આ ત્રણે પક્ષ પાસેથી કરવાની માગણી પણ તેઓ કરવાના છે.
અતુલ ભાતખળકરે કહ્યું હતું કે મહારાષ્ટ્ર બંધની તેમની જાહેરાતને નાગરિકોએ નકારી દીધો હતો. આ રાજકીય ઢોંગ છે. પૂરગ્રસ્ત વિસ્તાર મરાઠવાડાના ખેડૂતોને મદદ નથી. તેમની મુલાકાત પણ કરવામાં આવી નથી. સાંગલી, સતારા, કોલ્હાપુર, કોંકણમાં ખેડૂતોને હજી મદદ મળી નથી ત્યારે ઉત્તર પ્રદેશની ઘટના પર આવા મગરનાં આંસુ સારવામાં આવી રહ્યાં છે. એથી જનતાએ તેમના બંધને પ્રતિસાદ આપ્યો નહોતો. અમુક ઠેકાણે ગુંડાગીરી અને પોલીસની મદદથી દુકાનો બંધ કરાવી દીધી હતી અને પછી પોતાના બંધને સફળ ગણાવ્યો હતો. એથી આવા લોકોને પાઠ ભણાવવો જોઈએ. એક દિવસના બંધને કારણે થયેલા નુકસાનની ભરપાઈ આ લોકોએ જ કરવી પડશે અને એ માટે કોર્ટમાં લડી લઈશું.