ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેની સાઇકલ ટ્રેકની યોજના પર ફાચર મરાય એવી શક્યતા છે. મુંબઈમાં અનેક મોકાની જગ્યાએ સાઇકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે, જેમાં પવઈ તળાવના કિનારાને અડીને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સાઇકલ ટ્રેક બનાવવાનું કામ કરી રહી છે. જોકે આ સાઇકલ ટ્રેક સામે ભાજપના ઈશાન મુંબઈના સાંસદ મનોજ કોટકે વિરોધ દર્શાવ્યો છે. તેમણે પાલિકા કમિશનર ઈકબાલ સિંહને આ બાબતે રજૂઆત પણ કરી છે.
આ સાઇકલ ટ્રેક માટે પવઈ તળાવના કિનારા પાસે કામ ચાલી રહ્યું છે. એથી પવઈ તળાવની સાઇઝ ઘટી જવાની છે. એને કારણે પવઈ તળાવની નૈસર્ગિક સુંદરતા જળાવશે નહીં. તેમ જ કોરોનાને પગલે મુંબઈ મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે, ત્યારે સાઇકલ ટ્રેક પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાની કોઈ આવશ્યકતા નથી એવો દાવો પણ મનોજ કોટકે કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે અનેક સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ ક્ષેત્ર કામ કરનારી સંસ્થાઓ પહેલાંથી જ પવઈ તળાવના કિનારા પાસે આ કામ કરવાથી તળાવમાં રહેલી જીવસૃષ્ટિને પણ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી ચૂકયા છે.