ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
મેદાનોના નામને લઈને ભાજપ અને પાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેના વચ્ચેનો વિવાદ થમવાનું નામ લેતો નથી. મલાડના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ટીપુ સુલતાનનું નામના વિવાદ બાદ હવે વરલીની બી.ડી.ડી. ચાલના જાંભોરી મેદાન પરના મહાત્મા ગાંધીના નામને લઈને નવો વિવાદ ઊભો થયો છે. આ મેદાનનું મહાત્મા ગાંધીજીના નામનું બોર્ડ ગાયબ થઈ ગયું છે. વરલીના આ મેદાનને દસ દિવસમાં મહાત્મા ગાંધીજીના નામનું બોર્ડ ફરી લાગ્યું નહીં તો ભાજપ ગાંધીગીરી સ્ટાઈલમાં આંદોલન કરશે એવી ચીમકી ભાજપે આપી છે.
જાંભોરી મેદાન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સ્વતંત્રતાની લડત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મેદાનમાં પોતાના ચરણ રાખ્યા હતા. સ્વતંત્રતા બાદ આ મેદાનને ‘મહાત્મા ગાંધી’ નું નામ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં મેદાનના સુશોભિકરણ બાદ મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું.
જોકે સુશોભીકરણ અને લોકાર્પણ બાદ મેદાનના ‘મહાત્મા ગાંધી મેદાન’ નું નામનું બોર્ડ ગાયબ થઈ ગયું હોવાનો આરોપ ભાજપે સ્થાયી સમિતિમાં કર્યો હતો. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, મેયર કિશોરી પેડણેકર અને કમિશનર ઈકબાલ સિંહ આ ઐતિહાસિક મેદાનના નામને ભૂલી ગયા. મલાડના ટીપુ સુલતાનના ગેરકાયદે રીતે આપવામાં આવતા નામને સંરક્ષણ આપવામાં આવે છે, પણ કાયદેસરના નામના બોર્ડ ગાયબ થઈ જાય છે એવી ટીકા પણ ભાજપે કરી હતી.
ભાજપે સ્થાયી સમિતિમાં કરેલા આરોપ બાદ સત્તાધારી પાર્ટી જાગી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષે પ્રશાસનને આ મુદ્દે તપાસ કરવાની સૂચના આપી હતી અને દોષી સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.