News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની 29 પાલિકાઓ માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં ‘ડુપ્લિકેટ’ અને ‘બોગસ’ મતદાનનો મુદ્દો શરૂઆતથી જ ગરમાયેલો રહ્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ અગાઉ જ કાર્યકર્તાઓને આદેશ આપ્યો હતો કે જો કોઈ ડુપ્લિકેટ મતદાર દેખાય તો તેને ત્યાં જ પાઠ ભણાવજો. આ દરમિયાન, આજે સવારે મતદાનના શરૂઆતના કલાકોમાં જ દાદરના વોર્ડ નંબર 192 માં મુંબઈનો પહેલો ડુપ્લિકેટ મતદાર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. દાદર એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો (MNS) ગઢ ગણાય છે. અહીં વોર્ડ નંબર 192 માં મનસેના ઉમેદવાર યશવંત કિલ્લેદાર અને શિવસેના (શિંદે જૂથ) ના ઉમેદવાર પ્રીતિ પાટણકર વચ્ચે સીધી ટક્કર છે. સવારે જ્યારે યશવંત કિલ્લેદાર મતદાન કેન્દ્ર પર પહોંચ્યા, ત્યારે તેમને એક મહિલાનું નામ બે અલગ-અલગ યાદીમાં હોવાનું જાણવા મળ્યું હતું.
મતદાન કેન્દ્ર પર શું સર્જાયો હોબાળો?
યશવંત કિલ્લેદાર જ્યારે મતદાન કરવા અને નિરીક્ષણ માટે કેન્દ્ર પર આવ્યા, ત્યારે તેમને એક મહિલા મતદારનું નામ ડુપ્લિકેટ યાદીમાં હોવાનું જણાયું. મનસેના કાર્યકર્તાઓએ તરત જ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી તે મહિલાને થોડીવાર માટે રોકી રાખવામાં આવી હતી. સ્થિતિને જોતા ચૂંટણી અધિકારીઓએ દખલ કરી હતી. અંતે, મહિલાનું આધારકાર્ડ તપાસવામાં આવ્યું અને તેની પાસેથી લેખિતમાં ‘સોગંદનામું’ (Affidavit) લઈને તેને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Civic Polls 2026: મહારાષ્ટ્રમાં આજે ‘લોકશાહીનો ઉત્સવ’: 29 નગરપાલિકાઓમાં મતદાનને પગલે જાહેર રજા, જાણો આજે શું બંધ રહેશે અને શું ચાલુ.
ચૂંટણી પંચની બેદરકારી પર યશવંત કિલ્લેદારના પ્રહાર
આ ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા યશવંત કિલ્લેદારે ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “મતદાર યાદીમાં એક જ વ્યક્તિના બે નામ હોવા એ સીધી રીતે ચૂંટણી પંચની બેદરકારી છે. અમે અગાઉ પણ ડુપ્લિકેટ વોટર્સ બાબતે ફરિયાદ કરી હતી, પરંતુ યાદી સુધારવામાં આવી નથી. આવા કિસ્સાઓ બોગસ મતદાનને પ્રોત્સાહન આપે છે. જોકે, મનસેના સૈનિકો સતર્ક છે અને અમે કોઈપણ ખોટું મતદાન થવા દઈશું નહીં.”
મુંબઈમાં ડુપ્લિકેટ મતદારોનો આંકડો અને સુરક્ષા
ઉલ્લેખનીય છે કે, BMC ની આ ચૂંટણી પહેલા મુંબઈમાં આશરે 11 લાખ ડુપ્લિકેટ મતદારો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે જેમના નામ બે વાર હોય તેમની સામે ડબલ ફૂદડી (Double Asterisk) ની નિશાની પણ કરી હતી. મુંબઈમાં શાંતિપૂર્ણ મતદાન માટે 64 હજારથી વધુ કર્મચારીઓ અને હજારો પોલીસ જવાનો તૈનાત છે. દાદર, માહિમ અને પ્રભાદેવી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી (CCTV) દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે.