News Continuous Bureau | Mumbai
Mumbai Police મુંબઈમાં આગામી BMC ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ ફૂલ એલર્ટ મોડમાં છે. આ દરમિયાન પોલીસે નકલી નોટોના એક આંતરરાષ્ટ્રીય નેટવર્કને મોટો ફટકો આપ્યો છે. મુંબઈ પોલીસે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં બાંગ્લાદેશ સરહદ પાસે એક ગુપ્ત ઓપરેશન ચલાવીને નકલી નોટોની મુખ્ય સપ્લાયર મહિલાની ધરપકડ કરી છે.
દાદર રેલવે સ્ટેશનથી શરૂ થયો તપાસનો દોર
આ સમગ્ર મામલાની શરૂઆત ગયા અઠવાડિયે દાદર રેલવે સ્ટેશન પાસે થઈ હતી. શિવાજી પાર્ક પોલીસે સ્ટેશન પાસે થી 61 વર્ષીય એક વ્યક્તિ ની ધરપકડ કરી હતી. તેની પાસેથી 500-500 ના દરની કુલ 72 હજાર રૂપિયાની હાઈ ક્વોલિટીની નકલી નોટો મળી આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ નોટો બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવી હતી અને તે અસલી નોટ જેવી જ દેખાતી હતી.
60 હજાર અસલી સામે 1 લાખની નકલી નોટ
પકડાયેલા વ્યક્તિ ની પૂછપરછ બાદ પોલીસ ફરાર મહિલા આરોપી સુધી પહોંચી હતી. ઝારખંડની રાધાનગર પોલીસની મદદથી તેને સીમાવર્તી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મહિલા 60 હજાર રૂપિયાની અસલી નોટના બદલામાં 1 લાખ રૂપિયાની નકલી નોટો પૂરી પાડતી હતી.
આ સમાચાર પણ વાંચો : Trump: ભારત પર 500% ટેરિફ? ટ્રમ્પના રશિયા વિરોધી વલણથી ભારતીય અર્થતંત્ર પર મોટું સંકટ.
બે વર્ષથી સક્રિય હતું આ નેટવર્ક
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મહિલા છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદેસર નેટવર્કમાં સક્રિય હતી. અત્યાર સુધીમાં તેણે આશરે 12 થી 14 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ઘુસાડી હોવાની આશંકા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો ઉપયોગ કયા વિસ્તારોમાં થયો છે અને શું તેનો ઉપયોગ BMC ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે થવાનો હતો?
