News Continuous Bureau | Mumbai.
બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવનારા મુંબઈ મેટ્રો લાઈન-વનને મુંબઈ મહાનગરપાલિકાએ બે દિવસની મુદત આપી છે. ગુરવારે પાલિકાની ટીમ મુંબઈ મેટ્રોની મિલકતનું પાણીનું જોડાણ કાપી નાખવા ગઈ હતી, જોકે મુંબઈ મેટ્રોએ સમય માગતા પાલિકાએ તેમની વિનંતીને માન્ય કરી હતી.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ કે-પશ્ર્ચિમ વોર્ડે મુંબઈ મેટ્રો વન પાસેથી પ્રોપર્ટી ટૅક્સની લગભગ ૨૨૦ કરોડ રૂપિયાની રકમ વસૂલવાની છે. તો કે-પૂર્વ વોર્ડમાં આવતી મેટ્રોની મિલકતનો લગભગ ૮૦ કરોડ રૂપિયાનો ટૅક્સ વસૂલવાનો બાકી છે. મુંબઈ મેટ્રોની મોટાભાગની પ્રોપર્ટી કે-પશ્ર્ચિમ અને કે-પૂર્વ વોર્ડમાં આવે છે.
પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર અને અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટના ઈનચાર્જ વિશ્ર્વાસ મોટેએ મિડિયાને જણાવ્યા મુજબ મુંબઈ મેટ્રોએ બે દિવસની મુદત માગી હતી. તેથી તેમને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. મેટ્રો મહત્ત્વની સેવા હોવાથી સામાન્ય નાગરિકોને ત્રાસ થાય નહીં તેને ધ્યાનમાં રાખીને મુદત આપી છે. ત્યારબાદ નિયમ મુજબ પગલા લેવાશે.
મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ ૧૧.૫ કિલોમીટર લાંબી વર્સોવા-અંધેરી-ઘાટકોપર વચ્ચે મેટ્રો દોડાવે છે. આ મેટ્રો લાઈન પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલ પર બનાવવામાં આવી છે. જેમાં મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડમાં રિલાયન્સ ઈન્ફ્રાનો ૭૪ ટકા હિસ્સો છે. તો એમએમઆરડીનો ૨૬ ટકા હિસ્સો છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આઈપીએલની મેચ પર કોઈ ખતરો નથી. તેમજ કોઈ રેકી કરવામાં આવી નથી. મુંબઈ પોલીસે પ્રેસ રીલીઝ બહાર પાડી ખતરાના સમાચારોને રદીયો આપ્યો. જુઓ પ્રેસ રિલીઝ
પાલિકાએ આપેલી નોટિસ બાબતે મુંબઈ મેટ્રો વન લિમિટેડ દ્વારા મિડિયા હાઉસને આપવામાં આવેલા સ્ટેટમેન્ટ મુજબ મહારાષ્ટ્ર સરકારે ૧૭મી એપ્રિલ, ૨૦૧૮ના આપેલા નિર્દેશોનું પાલન કરવાની પાલિકાને વિનંતી કરાઈ છે, તે મુજબ મુંબઈ મેટ્રો લાઈન વન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોઈ તે ટૅક્સમાં રાહત મેળવવા પાત્ર છે. મુંબઈ મેટ્રો લાઈન-એક મેટ્રો ઍક્ટ હેઠળ આવે છે અને તે મુજબ તેને રેલવે ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે. તેથી રેલવે ઍક્ટ હેઠળ મ્યુનિસિપલ ટૅક્સની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મુંબઈ મેટ્રો વન લિમિટેડે એવું પણ કહ્યું હતું કે મુંબઈ મેટ્રો લાઈન-વન સામે જો નોટિસનો અમલ કરવામાં આવશે તો લગભગ પાંચ લાખ મુસાફરોને સેવા આપતી મેટ્રો સેવાને ગંભીર અસર થશે. પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ પાછી ખેંચવા આવે.