ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
કોરોના સહિત ઓમીક્રોનના ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ત્રીજી જાન્યુઆરી ૨૦૨૨થી ૧૫થી ૧૮ વર્ષના બાળકોના વૅક્સિનેશનની જાહેરાત કરી છે. તેથી આ એજગ્રુપના બાળકોને વૅકિસન આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે.
આ એજ ગ્રુપના લગભગ 9 લાખ બાળકોને મુંબઈના 400 વૅક્સિનેશન સેન્ટરમાં વેક્સિન આપવામાં આવવાની છે. એ સાથે જ બાળકોની સુવિધા માટે કોલેજમાં પણ કોરોનાની વેક્સિન આપવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો હોવાનું મુંબઈ મહાનગરપાલિકા સજ્જ હોવાનું એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
બાળકોને પણ વૅક્સિનના બે ડોઝ આપવામાં આવવાના છે. પરંતુ બે ડોઝ વચ્ચે અંતર કેટલું હશે તેનો સમયગાળો હજી નક્કી કરવામાં આવ્યો નથી. બાળકોને વૅક્સિન આપ્યા બાદ તેમને કોઈ રિએકશન થાય તો તે માટે પિડિયાટ્રિક વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે.
બાળકોના વૅક્સિનેશન માટે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ તૈયારીઓ કરી લીધી છે. મુંબઈમાં 400 સેન્ટર પર બાળકોને વૅક્સિન આપવામાં આવશે એ સિવાય કૉલેજ પ્રશાસન સાથે મળીને કૉલેજના પરિસરમાં જ વૅક્સિનેશન કેમ્પ પણ રાખવામાં આવવાના છે.
અહીં ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી ઉપરના 98 લાખ લાભાર્થીઓનો પહેલો ડોઝ થઈ ગયો છે. 77 ટકા લોકોનો બીજો ડોઝ પણ થઈ ચૂક્યો છે. મુંબઈમાં અત્યાર સુધી 1 કરોડ 76 લાખ 74 હજાર 705 ડોઝ આપવામાં આવ્યા છે.