ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
કોરોના મહામારી દરમિયાન અચાનક લાદી દેવામાં આવેલા લોકડાઉનને પગલે અનેક લોકોના ખાવા-પીવાના વાંધા થઈ ગયા હતા. લોકોએ નોકરી-ધંધા ગુમાવી દીધા હતા. એવા સમયમાં પાલિકા સ્થળાંતરિત કામદારો અને ગરીબ લોકોને જમવાનું આપતી હતી. આ લોકોને ભોજન આપવા સામે પાલિકાએ લગભગ 130 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. ગરીબોને ખવડાવા પાછળ કરવામાં આવેલા ખર્ચામાં ગોલમાલ કરવામાં આવ્યો હોવાનો આરોપ પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસે કર્યો છે.
લોકડાઉનમાં રાજય સરકારે સ્થળાંતરિત લોકો અને ગરીબ લોકોને બે ટંકનું ભોજન પૂરું પાડવાનો આદેશ મહાપાલિકાને આપ્યો હતો. તે મુજબ લાખો નાગરિકોને ખવડાવવા પાછળ 130 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હોવાનો પાલિકાનો દાવો ખોટો છે. પાલિકાએ જમવા પાછળ વધુ ખર્ચો બતાવ્યો છે. તેમની પાસે તો અનેક કોન્ટ્રેક્ટરના બિલ પણ નથી એવો આરોપ પણ વિરોધપક્ષ નેતા રવી રાજાએ કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ લોકોને ભોજન ખવડાવવા પાછળ કરેલા ખર્ચાની રકમ રાજય સરકાર ચૂકવવાની હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી સરકાર પાસેથી માત્ર 12 કરોડ રૂપિયા જ મળ્યા છે.