News Continuous Bureau | Mumbai
Mumbai મુંબઈમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા અને પર્યાવરણની જાળવણી માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એક મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકા દ્વારા પવઈ લેક પાસે 5 એકર જમીન પર અત્યાધુનિક બાંબુ નર્સરી વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ઝડપથી હરિયાળી વધારવાનો અને હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. આ માટે બીએમસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટ વિભાગ હસ્તકની જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
શા માટે બાંબુ નર્સરી? પર્યાવરણ નિષ્ણાતોનો મત
પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય વૃક્ષોને સંપૂર્ણ રીતે વિકસિત થતા 8 થી 10 વર્ષ લાગે છે, જ્યારે વાંસ માત્ર 3 થી 5 વર્ષમાં જ પરિપક્વ થઈ જાય છે. વાંસના પાંદડા હવામાં રહેલા PM 2.5 અને PM 10 જેવા હાનિકારક કણોને શોષી લેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આનાથી એર ક્વોલિટી ઈન્ડેક્સમાં (AQI) સુધારો થશે. આ ઉપરાંત, વાંસના મૂળ જમીનનું ધોવાણ અટકાવવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
વૃક્ષોની કપાતની ભરપાઈ કરવા ગ્રીન પેચ તૈયાર કરાશે
મુંબઈમાં હાલમાં મેટ્રો, કોસ્ટલ રોડ અને અન્ય મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા પડ્યા છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે ગાર્ડન વિભાગે પવઈ લેક પાસેના પ્લોટને સૌથી વધુ અનુકૂળ ગણાવ્યો છે. એડિશનલ કમિશનર અવિનાશ ઢાકણેએ આ પ્રોજેક્ટની જાહેરાત કર્યા બાદ હવે કામગીરી તેજ બની છે. આ નર્સરી શહેરના નવા ‘ગ્રીન પેચ’ તરીકે ઓળખાશે.
આ સમાચાર પણ વાંચો : Shiv Sena UBT Rebellion: ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય: મુંબઈ-વસઈ ચૂંટણી પહેલા બળવો કરનાર 29 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા, અનિલ પરબના નજીકના નેતા પર પણ ગાજ
જમીન હસ્તાંતરણ અને પ્રોજેક્ટની અમલીકરણ પ્રક્રિયા
બીએમસીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, જે 5 એકર જમીન પસંદ કરવામાં આવી છે તે હાલમાં પ્રોજેક્ટ વિભાગ હેઠળ છે. આ જમીન ગાર્ડન વિભાગને સોંપવા માટે પત્રવ્યવહાર શરૂ થઈ ગયો છે. પવઈ લેક પાસેનું વાતાવરણ અને ભેજ વાંસના છોડના વિકાસ માટે ઉત્તમ છે. આગામી સમયમાં આ નર્સરી દ્વારા મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ વાંસના છોડનું રોપણ કરવામાં આવશે, જેથી સમગ્ર શહેરમાં પ્રદૂષણનું સ્તર ઘટાડી શકાય.