ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 સપ્ટેમ્બર 2020
મુંબઈ ફરતેના અરબી સમુદ્રના પાણીમાં મોટા પ્રમાણમાં ઈ કૉલી બેક્ટેરિયા હોવાનું 2019-20 ના સર્વે રિપોર્ટમાં જાણવા મળ્યું છે. આ રિપોર્ટ બીએમસી ના એન્વાયરમેન્ટલ સર્વેમાં જણાવાયું છે. રિપોર્ટ માં જણાવ્યા મુજબ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર દરિયામાં છોડી દેવામાં આવે છે. જેને કારણે પાણીમાં પ્રદૂષણ નું પ્રમાણ ખૂબ ઊંચું ગયું છે. કોલાબા, વરલી અને બાંદરાના દરિયાના પાણીમાં ઈ-કૉલી બેક્ટેરિયાનું પ્રમાણ મંજૂરી ની માત્રા કરતા ઘણુ વધુ જોવા મળ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે આ ત્રણે સ્થળોએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધમધમે છે. છતાં સમુદ્રના પાણીમાં પુષ્કળ ઈ. કોલી બેક્ટેરિયા મળી આવ્યા છે.
મુંબઈમાં હજુ પણ સ્ટોર્મ વોટરના પાણી માટે અંગ્રેજોના જમાના થી એક નેટવર્ક બનેલું છે. જેમાં મુંબઈની ગટરોનું પાણી પ્રથમ સીવેજમા છોડવામાં આવે છે, ત્યારબાદ આ સીવેજ નું પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને શુદ્ધ કરીને પછી દરિયામાં છોડવામા આવે, એવી એક આદર્શ પ્રોસેસ બનાવવામાં આવી છે. પરંતુ, આ પ્રોસેસ કર્યા વગર જ સીધું મળમૂત્ર વાળું પાણી દરિયામાં છોડી દેવામાં આવે છે. જેને કારણે આ સમસ્યા ઊભી થઈ છે એમ નિષ્ણાંતોનું કહેવું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ દુષિત પાણી દરિયામાં ભળી જવાને કારણે ઈ કોલી બેક્ટેરિયા પેદા થાય છે. આ બેક્ટેરિયાને કારણે ડાયેરિયા, ન્યુમોનિયા, ફૂડ પોઇઝનિંગ, મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન અને કિડની ફેલ થવાના જેવા કેસો વધી જાય છે. ઝેરી પાણીને કારણે સમુદ્ર જીવોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે..
