ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
આરે કોલોનીમાં મેટ્રો કારશેડ બનાવવા માટે ઝાડ કાપવાનો વિરોધ કરનારી શિવસેનાએ મંગળવારે મુંબઈમાં જુદા જુદા કામને આડે આવી રહેલા 485 વૃક્ષો કાપી નાખવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. તેથી ઝાડ કાપવા સામે હંમેશાથી વિરોધ કરનારા અને પર્યાવરણનું જતન કરવાનું લોકોને શીખવાડનારા શિવસેના અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની આવી બેવડી નિતી ચર્ચાનો વિષય બની ગઈ છે.
મંગળવારે ટ્રી ઓથોરીટીની મીટીંગમાં જુદા જુદા વિકાસ કામને આડે આવતા 485 ઝાડ કાપવાને મંજૂરી આપવામાં આવી હતી. તેની સામે 1076 ઝાડ વાવવામાં આવશે એવો દાવો પ્રશાસને કર્યો છે. તો 179 ઝાડનું પુનઃરોપણ કરવામાં આવવાનું છે.
મેટ્રો રેલવેના જુદા જુદા કામ, વેસ્ટર્ન રેલવેના વિસ્તારીકરણ સહિત ખાનગી પ્રોજેક્ટ માટે ઝાડ કાપવાના અને પુનઃરોપણ કરવામાં આવવાના છે. જેમાં વડાલાથી થાણે સુધીની મેટ્રો લાઈન માટે ઘાટકોપરમાં 133 ઝાડ કાપવાના અને 104 ઝાડને પુનઃ રોપણ કરવામાં આવવાનું છે. વિક્રોલીમાં 105 ઝાડ કાપવામાં આવશે અને 39 ઝાડનુ પુનઃ રોપણ થશે. અંધેરી(વેસ્ટ)માં મેટ્રો માટે 41 ઝાડ કપાશે અને 145 ઝાડનું પુનઃરોપણ થશે. મેટ્રોના ત્રીજા તબક્કાના કામ માટે વિધાનભવન સ્ટેશન માટે 24 ઝાડ કાપીને તેની સામે 17 ઝાડનું પુનઃરોપણ કરાશે. વેસ્ટર્ન રેલવેમાં જોગેશ્વરી થી રામ મંદિર વચ્ચે પ્રસ્તાવિત પુલ માટે 9 ઝાડ કાપીને અને 57 ઝાડનું પુનઃરોપણ કરવામાં આવશે. અંધેરીથી અંબોલીના પ્રસ્તાવિત પુલ માટે 35 ઝાડ કાપીને તેની સામે 15 ઝાડને પુનઃ રોપવાના છે. સાંતાક્રુઝ-ખાર દરમિયાન છઠ્ઠી લાઈન માટે 18 ઝાડ કાપીને તેની સામે 27 ઝાડનું પુનઃરોપણ કરવાનું છે. કુર્લાથી લોકમાન્ય ટિળક ટર્મિનસ વચ્ચે કોચિંગ લાઈનના બાંધકામ માટે 176 ઝાડ કાપવાના અને 131 ઝાડનું પુનઃરોપણ કરવામાં આવવાનું છે.