News Continuous Bureau | Mumbai
Bombay High Court મુંબઈ અને નવી મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ મામલે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ ની બેન્ચે બીએમસી કમિશનર ભૂષણ ગગરાણી અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) ના સચિવને આજે (મંગળવારે) કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહેલી એજન્સીઓના વડાઓએ હવે વ્યક્તિગત રીતે જવાબ આપવો પડશે.કોર્ટ દ્વારા રચવામાં આવેલી ચાર સભ્યોની સમિતિએ સોંપેલા ૭૪ પાનાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા બાંધકામ સ્થળો પર નિયમોનું પાલન કરાવવામાં સરકારી એજન્સીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
હાઈકોર્ટની નવી બિલ્ડિંગ સાઈટ પર જ બેદરકારી
સમિતિએ બાંદ્રા ઈસ્ટમાં એ જગ્યાની મુલાકાત લીધી હતી જ્યાં બોમ્બે હાઈકોર્ટની નવી ઈમારત બનવાની છે. ત્યાં ચાલી રહેલા તોડફોડના કામમાં ભારે બેદરકારી જોવા મળી હતી. રિપોર્ટ મુજબ, ત્યાં ધૂળને રોકવા માટે સ્પ્રિંકલર કે સ્મોગ ગન જેવી કોઈ વ્યવસ્થા નહોતી. તેમજ કાટમાળને ઢાંકવા માટે કોઈ કવર કે બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું નહોતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી હતી.
નિયમોની ઐસીતૈસી કરતા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ
રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે મુંબઈમાં મોટાભાગની સાઈટ્સ પર હવાની ગુણવત્તા માપવા માટે સેન્સર કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. કાટમાળ લઈ જતા વાહનો ઢાંક્યા વગર જ રસ્તા પર દોડી રહ્યા છે. આ ઉપરાંત સ્ટીલ કાપવા માટેના ગેસ સિલિન્ડર ફૂટપાથ પર ખુલ્લેઆમ રાખવામાં આવ્યા છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ખતરનાક છે. કોર્ટે આ બાબતને ગંભીર માનીને અધિકારીઓને ફટકાર લગાવી છે.
આ સમાચાર પણ વાંચો : Gas Cylinder: ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત ઊભી કરનાર એજન્સીઓ સામે કાર્યવાહીની માંગ: ભરેલા બોટલમાંથી ગેસ ચોરી કરી ગ્રાહકોને પધરાવાય છે અધૂરા સિલિન્ડર.
શું છે વાયુ પ્રદૂષણની વર્તમાન સ્થિતિ?
હાલમાં મુંબઈમાં AQI ૧૧૪ પર પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. હાઈકોર્ટ ૨૦૨૩ થી એક જનહિત અરજી હેઠળ આ મામલે સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યું કે વહીવટીતંત્રની નબળી દેખરેખને કારણે શહેરની હવા ઝેરી બની રહી છે અને હવે જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે.
