News Continuous Bureau | Mumbai
આખરે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને બોરીવલીના ફ્લાયઓવર(Borivali flyover)ને ટ્રાફિક માટે ખોલવાનો સમય મળી ગયો છે. આજે સાંજે પર્યાવરણ પ્રધાન અને ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના હસ્તે આ પુલને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે.
બોરીવલી (પશ્ચિમ)માં આર.એમ.ભટ્ટ માર્ગ પર બાંધવામાં આવેલા ફ્લાયઓવરને ખુલ્લો મૂકવામાં ખાસ્સો એવો વિલંબ થયો હતો. લગભગ ૧૭૩ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા બોરીવલી (પશ્ચિમ) અને (પૂર્વ)ને જોડનારા આ ફ્લાયઓવરને લઈને છેલ્લા થોડા દિવસથી ભારે વિવાદ ચાલી રહ્યો હતો. ફ્લાયઓવરના વિસ્તારીકરણના કામમાં ટેન્ડર(Tender) બહાર નહીં પાડતા જ કૉન્ટ્રેક્ટરને કામ આપી દેવા સામે કોર્ટમાં જનહિતની અરજી થઈ છે. ફ્લાયઓવરના બાંધકામમાં ખર્ચ પણ વધી ગયો છે. આ દરમિયાન સ્થાનિક નાગરિકોની સાથે જ ભાજપે(BJP) પુલ ખુલ્લો નહીં કર્યો તો તેઓ જાતે જ પુલને ખુલ્લો મૂકી દેશે એવી ચેતવણી આપી હતી..
છેવટે શનિવારે સાંજે આ પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. બોરીવલી (પશ્ચિમ)માં આર.એમ. ભટ્ટ માર્ગ પર લિંક રોડથી ફિલ્ડમાર્શલ કરિઅપ્પા ફ્લાયઓવર સુધી બાંધવામાં આવેલો આ ફ્લાયઓવર મુખ્યત્વે લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડનારો મુખ્ય રસ્તો છે.
આ સમાચાર પણ વાંચો :
આ પુલને કારણે શ્યામપ્રસાદ મુખરજી ચોક, કલ્પના ચાવલા ચોક, સાઈબાબા નગર, રાજેન્દ્ર નગર અને નજીકના વિસ્તારના ટ્રાફિકને રાહત મળશે. સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.રોડ) જંકશન અને કલ્પના ચાવલા ચોક આ બે મહત્ત્વના જંક્શન પરથી આ પુલનું વિસ્તારીકરણ થયું હોવાથી ટ્રાફિકની મુવમેન્ટ ઝડપી બનશે.
લગભગ ૯૩૭ મીટર લંબાઈના આ ફ્લાયઓવર પર પૂર્વ-પશ્ચિમ અને પશ્ચિમ-પૂર્વ એમ બંને બાજુએ બે-બે એમ કુલ ચાર લેન છે. કંપોસિટ સેક્શન ટેકનોલોજી(Composite section technology)નો ઉપયોગ કરીને એક પીલર પદ્ધતિએ બાંધવામાં આવેલા આ ફ્લાયઓવર માટે ૧૩,૩૪૭ ઘન મીટર કૉંક્રીટ, ૨,૯૦૦ મેટ્રિક ટન રિઈન્ફોર્સમેન્ટ સ્ટીલ તો ૪,૧૮૬ સ્ટ્રક્ચરલ સ્ટીલ વાપરવામાં આવ્યું છે.