ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
આશરે અગિયાર વર્ષ પછી બોરીવલી ના એકસર ગામ સ્થિત રિઝર્વ પ્લોટ ને વિકાસ નું મુરત સાંભળ્યું છે. વર્ષ ૨૦૦૯માં સ્થાનિક કોર્પોરેટર વિનોદ ઘેડિયા દ્વારા આ પ્લોટ પર ઉદ્યાન બનાવવાનું પ્રપોઝલ મહાનગરપાલિકામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ આ જમીનના માલિકો દ્વારા તેમજ મહાનગરપાલિકાની અધુરી કાર્યવાહીને કારણે આખું પ્રકરણ બોમ્બે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું. હવે કાનૂની આંટીઘૂંટી પતી ગયા બાદ મુંબઈ મહાનગરપાલિકા ના હાઉસમાં આ પ્લોટ પર ગાર્ડન બનાવવા સંદર્ભે નો પ્રસ્તાવ પસાર થયો છે.
જોવાની વાત એ છે કે આ પ્રસ્તાવની વિરુદ્ધમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી તેમજ એનસીપીએ મતદાન કર્યું. જ્યારે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી આશ્ચર્યજનક રીતે એક સાથે બેસી ગયા અને આ પ્રસ્તાવને વોટિંગથી પાસ કરવામાં આવ્યો.
જો કે 11 વર્ષની કાયદાકીય લડાઈ ને કારણે મુંબઈ મહાનગર પાલિકાને જબરુ નુકસાન થશે. વર્ષ ૨૦૦૯માં આ આખા પ્લોટને અધિગ્રહણ કરવા ની કિંમત 100 કરોડ રૂપિયા હતી. હવે આ પ્લોટની સુધારિત કિંમત 1000 કરોડ રૂપિયા છે. મહાનગરપાલિકા જે રસ્તાઓ પાસ કર્યો છે તે મુજબ આ જમીનની 70% કિંમત ની અવેજીમાં ટીડીઆર આપવામાં આવશે. જ્યારે કે ૩૦ ટકા જમીન મૂળ માલિકને પરત આપીને તેની ઉપર વિકાસની મંજૂરી આપવામાં આવશે.
આ સમગ્ર પ્રસ્તાવ સંદર્ભે મુંબઈ મહાનગર પાલિકામાં ભાજપના નેતા ભાલચંદ્ર શિરસાટે જણાવ્યું કે આ પ્રસ્તાવનો વિરોધ કોંગ્રેસ પાર્ટીએ કર્યો હતો પરંતુ શિવસેના અને ભાજપ મક્કમ હતા. અમને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં આ પ્લોટ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી પતી જાય અને મુંબઈ વાસીઓને એક મોટું ગાર્ડન મળે.
