News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે રોડ પહોળા કરવા માટે પશ્ચિમ ઉપનગર મલાડમાં ( Malad ) મીઠાઈવાળાની ( sweet shops ) દુકાન સહિત છ દુકાનોના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. જે છ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે તેમાંથી ત્રણ મીઠાઈની દુકાનો હતી. જ્યારે અન્ય ત્રણ મોબાઈલ અને યુટિલિટી સ્ટોરની હતી. BMC અધિકારીએ કહ્યું કે આ દરેક દુકાનોએ તેમની દુકાનોથી બે મીટર આગળ અને 30 ફૂટ સુધીની લંબાઇમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પી નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે આ ગેરકાયદે બાંધકામો રોડ પહોળા કરવાના માર્ગમાં આવી રહ્યા હતા એટલા માટે અહીં કડક કાર્યવાહી કરી છે. તોડફોડ કરવામાં આવેલી તમામ છ દુકાનોએ રસ્તાના મોટા ભાગ પર કબજો જમાવ્યો હતો. તો બીજી તરફ, દુકાન માલિકોનો આરોપ છે કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ કર્યું નથી અને BMC તેમને જાણી જોઈને પરેશાન કરી રહી છે.
વધુમાં આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે આ અતિક્રમણ સૂચિત રોડ પહોળા કરવાના પ્રોજેક્ટના માર્ગમાં આવે છે જે ઘણા વર્ષોથી પેન્ડિંગ હતું. અમે આ બાબત પર નજર રાખી રહ્યા હતા કારણ કે દુકાનોએ તેમની મિલકતોનું ગેરકાયદે વિસ્તરણ કર્યું હતું જેના કારણે દરરોજ ટ્રાફિક જામ થતો હતો. જોકે હવે ગેરકાયદે બાંધકામ હટાવવાથી રસ્તા પહોળા થયા છે, આનાથી મુસાફરોને રાહત મળશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો
મહત્વનું છે કે આ દુકાનો મલાડ પશ્ચિમમાં રેલવે સ્ટેશનને અડીને આવેલા કસ્તુરબા રોડ પર છે. સ્થાનિક લોકોમાં આ રોડને સ્ટેશન રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશન અને એસ.વી. રોડ વચ્ચે એક કડી છે. બેસ્ટની બસો સાથે ખાનગી વાહનો અને જાહેર વાહનો અહીંથી પસાર થાય છે. આ ખૂબ જ વ્યસ્ત માર્ગ છે. આ રોડ પર મોટા પ્રમાણમાં હોકર્સ તેમજ દુકાનદારો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે. જેના કારણે આખો રસ્તો લગભગ બંધ થઈ ગયો છે. અનેક સામાજિક કાર્યકરો અને સંગઠનોએ આનો વિરોધ પણ કર્યો હતો.
