ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
કોરોના મહામારીમાં સામાન્ય નાગરિક જ નહીં પણ એશિયાની સૌથી શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકાને પણ મોટો ફટકો પડયો હતો. તેથી આવકના નવા નવા સ્ત્રોત પાલિકા શોધી રહી છે, જેમાં હવે મુંબઈના નાકા પર આવેલા જકાત નાકાઓ પર બિઝનેસ હબ અને બસ ટર્મિનલ ઊભા કરીને પૈસા ઊભા કરવાની જાહેરાત પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે 2022-23ના બજેટમાં કરી છે.
2017માં જકાત રદ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) અમલમાં આવ્યો હતો. ત્યારથી જકાત નાકાની જમીન પડી રહી છે. હવે ખાલી પડી રહેલી સોનાની લગડી સમાન જમીનનો ઉપયોગ કરીને પૈસા ઊભા કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. આ જગ્યા પર બસ ટર્મિનસ, બિઝનેસ હબ ઊભા કરવામાં આવશે. તે મુજબ માટે મુંબઈની હદ કહેવાતા માનર્ખુદ અને દહિસરના જકાત નાકાનો ઉપયોગ થશે.
મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં કરવામાં આવી આ મહત્વની જાહેરાતો; જાણો વિગત
મુંબઈમાં બહારગામથી આવનારી લકઝરી બસને પાર્ક કરવા જકાત નાકાની જગ્યા વપરાશે. મુંબઈમાં પૂર્વ ઉપનગરમાં ચાર અને પશ્ર્ચિમ ઉપનગરમાં બે એમ કુલ છ જકાત નાકા છે. જકાત નાકા પર બિઝનેસ હબ ઊભો કરવા પાલિકાના ડેવલપમેન્ટ પ્લાનમાં જોગવાઈ કરવામાં આવી છે.