ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
વાતાવરણમાં મોટા પ્રમાણમાં ફેરફાર થઈ રહ્યા છે. ચોમાસાના દિવસો ઘટી ગયા છે. ગમે ત્યારે વરસાદ પડતો હોય છે. કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ તો કોઈ જગ્યાએ દુકાળ પડી રહ્યો છે. રાજયમાં પણ દુકાળ, કમોસમી વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. વાતાવરણમાં થતા ફેરફારની કિંમત દરિયા કિનારે આવેલા શહેરોને ચૂકવવી પડવાની છે. 2050ની સાલ સુધી મુંબઈ, નવી મુંબઈ અને થાણેના મોટાભાગના વિસ્તાર પાણીના નીચે ડૂબી જશે એવો ભય ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાયમેન્ટ ચેન્જે પોતાના અહેવાલમાં વ્યક્ત કર્યો છે.
આ અહેવાલમાં અનેક બાબતો પર પ્રકાશ નાખવામા આવ્યો છે. તે મુજબ 1850થી 1900ના સમયગાળા કરતા સરેરાશ વૈશ્વિક તાપમાન 1.1 અંશ સેલ્સિયસથી વધી ગયું છે. તેને કારણે અતિવૃષ્ટિ, વાવાઝોડા, ગરમીનું મોજુ ફરી વળવું, આકરો દુકાળ, બરફના પીગળવાની સાથે જ દરિયાની સપાટીમાં વધારો થવા જેવા ફેરફારો થયા છે.
આગામી સમયમાં જો 1.5 અંશ સેલ્સિયસ અથવા તેના કરતા વધુ તાપમાન વધ્યું તો તેનું પરિણામ મહારાષ્ટ્ર જેવા ઉષ્ણ કટિબંધ પર આવેલા રાજ્યને વધુ થશે. ખાસ કરીને મુંબઈ અને કોંકણનો ભાગ પાણી નીચે ડૂબવાની શક્યતા છે. તો મધ્ય મહારાષ્ટ્રમાં આકરો દુકાળ નિર્માણ થઈ શકે છે.
રાજયના પશ્ચિમ કિનારા પટ્ટી પર 2019માં વાયુ, 2020માં નિર્સગ, 2021માં તૌકતે, 2021માં શાહીન નામના વાવાઝોડા આવી ગયા છે. રાજ્યમાં સતત ઉષ્ણતાની લહેર નિર્માણ થતી રહેશે અને તેને કારણે ખેતી અને જંગલને અસર થશે. પ્રાણીઓથી થનારો રોગનું ફેલાવાનું પ્રમાણ વધશે.
અહીં ઉલ્લેખનીય છે કે કિનારપટ્ટી પર આવેલા અને પાણીમાં ડૂબી જનારા ભારતના 12 શહેરોમાં મુંબઈનો પણ સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં અતિવૃષ્ટિને કારણે મહારાષ્ટ્રમાં 21 હજાર 68 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.