ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
કોરોનાના વધતા સંક્રમણને કારણે મુંબઈગરાંના હાલ બેહાલ છે. તેવામાં કાંદિવલી સ્થિત ચારકોપ પોલીસે કોરોનાના બનાવટી નેગેટિવ રિપોર્ટ બનાવતા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી નામાંકિત લેબમાં ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતો હતો.
ચારકોપ પોલીસે આજે પ્રેસનોટ બહાર પાડી જણાવ્યું હતું કે ચારુ અમિત ચૌહાણ નામની ૩૧ વર્ષની મહિલાએ ૬ એપ્રિલને રોજ પોલીસ સ્ટેશનમાં પોતે કરાવેલો કોરોના રિપોર્ટ સંકાસ્પદ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા મુંબઈની એક નામાંકિત લેબનો ૨૯ વર્ષીય ટેક્નિશિયન મોહમ્મદ સલીમ મોહમ્મદ ઉમર આમાં સંડોવાયેલો હોવાની વાત સામે આવી હતી.
આરોપીએ મહિલાનું સ્વોબ સેમ્પલ આગળ મોકલ્યું નહતું અને જૂના એક રિપોર્ટને એડોબ એક્રોબેટ રીડર સોફ્ટવેઅરની મદદથી એડિટ કરી ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. આરોપીએ આમ કુલ ૩૭ બનાવટી રિપોર્ટ બનાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૧૮૮ અને ૨૬૯ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
