ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
કૉન્ગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના સાથીઓ સાથેની લડત પૂરતી ન હતી, તો હવે કૉન્ગ્રેસની અંદર ગંભીર ઝઘડો પણ ખુલ્લામાં આવી રહ્યો છે. કૉન્ગ્રેસના બાંદ્રાના ધારાસભ્ય ઝિશાન સિદ્દીકે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ વિરુદ્ધ એક પત્ર લખ્યો છે. બાંદ્રા પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર સિદ્દીક જગતાપને તેમના મત ક્ષેત્રમાં યુથ કૉન્ગ્રેસના કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા બદલ નારાજ છે.
મુંબઈ કૉન્ગ્રેસ દ્વારા બીકેસી ખાતે કોવિડ ટૂલકિટ્સના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રધાનો અને પાર્ટીના અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે ઝિશાનને આમંત્રણ અપાયું ન હતું. જોકેઝિશાનના નજીકના લોકો કહે છે કે 27 વર્ષીય ધારાસભ્ય જગતાપથી નારાજ થયો હોવાનું આ એકમાત્ર કારણ નથી.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે તેમાં કૉન્ગ્રેસ એકલી લડવાની છે. તેથી આ આંતરિક કલેહની અસર ચૂંટણીમાં કૉન્ગ્રેસના પ્રદર્શન પર પડે તેવી શક્યતા છે. તાજેતરમાં જ મુંબઇ કૉન્ગ્રેસે પાર્ટીના ચાર કાર્યકરોને ફરીથી પાર્ટીમાં સામેલ કર્યા છે. ઝિશાને 2019ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ કામ કરવા બદલ આ કાર્યકરો વિશે ફરિયાદ કરી હતી. તેમના પત્રમાં, ઝિશાને મુંબઈ પ્રમુખ તરીકે જગતાપની કાર્યકારી શૈલી પર સવાલ ઉઠાવ્યા છે.