ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈગરા માટે રાહતજનક સમાચાર છે. મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. પ્રતિદિન નોંધાતા કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા થોડા દિવસથી રોજના 200થી 300ની અંદર નવા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે મુંબઈમાં માત્ર 267 નવા દર્દી નોંધાયા હતા તેમ જ ફક્ત ચાર દર્દીનાં મોત થયાં હતાં. મુંબઈ મનપાએ અમલમાં મૂકેલી યોજનાઓને પગલે કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. એથી દર્દી બમણા થવાનો સમયગાળો પણ વધી 1,921 દિવસ પર આવી ગયો છે.
વાહ! આજથી મુંબઈગરા બગીચા અને ચોપાટીઓ પર ફરવા મોકળા, મુંબઈ મનપાએ આપી આ છૂટ; જાણો વિગત
જો આ ગતિએ જ મુંબઈમાં કોરોનાના નવા કેસ નોંધાશે તો સાડાપાંચ વર્ષે કોરોનાના કેસ બમણા થશે. જે મુંબઈની સવા કરોડની વસતી માટે બહુ મોટી વાત કહેવાય છે. મુંબઈનો કોવિડ ગ્રોથ રેટ 0.04 ટકા થઈ ગયો છે. મુંબઈનો હાલનો રિકવરી રેટ પણ વધીને 97 ટકા પર આવી ગયો છે. જોકે 15 ઑગસ્ટથી વેક્સિનના બંને ડોઝ લીધેલા નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસમાં કોરોનાના દર્દી ફરી વધી જવાની ચિંતા પાલિકાને સતાવી રહી છે.