ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
કોરોના થયા બાદ ઘણા દર્દીઓને રિકવર થવા માટે 3-4 મહિનાનો સમય લાગે છે, તો કેટલાકને મહિનાઓ સુધી ઑક્સિજન આપવો પડે છે. આ બધી આડઅસરો સહિત એક દર્દીની કિડની કોરોનાને કારણે ૯૦ ટકા ડેમેજ થઈ ગઈ છે. હર્ષ સોલંકી નામના એક 20વર્ષીય યુવકની કિડની સારવાર પછી ફક્ત ૧૦ ટકા જ કાર્યરત છે અને ડૉક્ટરો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ડૉક્ટરોના કહેવા મુજબ આ રીતે કોવિડની સારવાર બાદ કિડની ફેલિયરનો આ પહેલો કેસ છે અને તેઓ ટૂંક સમયમાં આ સંબંધમાં એક રિસર્ચ પેપર મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરશે. હર્ષ બાળપણથી જ કિડનીની નિષ્ફળતાથી પીડાઈ રહ્યો હતો અને છ વર્ષ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. આ માટે તેના પિતાએ કિડની ડૉનેટ કરી હતી. મૅનેજમેન્ટનો અભ્યાસ કરતો હર્ષ એપ્રિલના બીજા અઠવાડિયામાં ઘાટકોપરની હૉસ્ટેલમાંથી ઘરે આવ્યો ત્યારે તેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. જોકેહળવાં લક્ષણો હોવાથી તેને ઘરે જ સારવાર અપાઈ હતી અને એ સ્વસ્થ થઈ ગયો હતો.
કોવિડની સારવાર બાદ કિડની તપાસ માટે જરૂરી રક્ત પરીક્ષણો કરાયાં હતાં, જેમાં જણાયું હતું કે ક્રિએટિનાઇનનો સ્તર વધી ગયો હતો. ત્યારનબાદ કિડનીની બાયોપ્સી કરવામાં આવી હતી, જેમાં કિડની ફેલ થઈ હતી. કિડનીની કાર્યક્ષમતામાં અચાનક પરિવર્તન થતાં દરેકને આંચકો લાગ્યો છે. આ કેસમાં હિન્દુજા હૉસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડૉ. જતીન કોઠારીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "અમારા માટે પણ આ એક પડકારજનક કિસ્સો છે, કારણ કે આ પ્રકારનો કેસ આ પહેલાં ક્યારેય નથી બન્યો. કોવિડની સારવાર બાદ કિડનીની કાર્યક્ષમતામાં આટલો ઘટાડો થયો છે એ પહેલીવાર બન્યું છે. એથી અમે આ કેસને રિસર્ચ પેપર તરીકે રજૂ કરીશું."