ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈ શહેર પર ફરી વાર આતંકવાદીઓનો ખતરો છવાયો છે. મુંબઈમાં 1993ના બૉમ્બકાંડ જેવું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. હાલમાં જ મહારાષ્ટ્ર ATS (ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ) દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓની પૂછપરછ કર્યા બાદ એક 50 વર્ષની શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થઈ છે. આ શખ્સ ષડ્યંત્ર રચનારા સ્લીપર સેલનો સદસ્ય કહેવાઈ રહ્યો છે. જે પોતાની ઓળખ છુપાવી બાંદ્રામાં દરજીના વેશમાં કામ કરતો હતો.
ગત અઠવાડિયે પકડાયેલા આ શંકાસ્પદ લોકો પાસેથી મળેલા પુરાવાના આધારે ATSએ આરોપી ઈરફાન રહેમત અલી શેખની ધરપકડ કરી છે. ઈરફાન બાંદ્રામાં ખેરવાડીની ચાલીમાં પત્ની અને ચાર બાળકો સાથે રહેતો હતો અને સ્લીપર સેલ તરીકે કામ કરતો હતો. તેની પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે.
આ સંપૂર્ણ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગુપ્તચર એજન્સીની સૂચનાથી દિલ્હી પોલીસની વિશેષ ટીમે શંકાસ્પદ આતંકવાદીઓને પકડ્યા હતા. એમાંથી એક મુંબઈના ધારાવીમાં રહેતો મોહમ્મદ શેખ પણ હતો. શેખ રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે તેને પકડવામાં આવ્યો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે માફિયા ડૉન દાઉદ ઇબ્રાહિમની ગૅન્ગ સાથે જોડાયેલો છે. તેના ભાઈ અનીસ ઇબ્રાહિમના ઇશારે મુંબઈને સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું રચાઈ રહ્યું છે. મુંબઈની લોકલ ટ્રેન સહિતનાં મહત્ત્વનાં સ્થાનોનું નિરીક્ષણ આતંકવાદીઓએ કર્યું છે.
ત્યાર બાદ મહારાષ્ટ્ર ATSએ શોધખોળ શરૂ કરી અને જાન મોહમ્મદના સંપર્કમાં જોગેશ્વરીના રિક્ષાચાલક ઝાકીર હુસેન શેખ અને મુમ્બ્રાના ટ્યૂશન ટીચર રિઝવાન મોમિનની ધરપકડ કરી છે. આ બધાની પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપીઓએ મલેશિયાથી મેળવેલા સિમ કાર્ડને આધારે પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ સાથે સંપર્ક કરતા હતા.