News Continuous Bureau | Mumbai
Andheri Gokhale bridge: અંધેરી (Andheri) પૂર્વ અને પશ્વિમને જોડનારા ગોપાલકૃષ્ણ ગોખલે પુલ (Gokhale Bridge) ની એક બાજુની લેન દીવાળી સુધીમાં ખુલ્લી મુકવાની મોટા ઉપાડે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ જાહેરાત કરી હતી. પરંતુ હવે ફરી એક વખત ગોખલે પુલની એક લેન ખુલ્લી મૂકવાની ડેડલાઈન લંબાઈ ગઈ છે અને હવે નવેમ્બરને બદલે આવતા વર્ષે ૧૫ ફેબ્રુઆરી 2024 સુધીમાં ખુલ્લી મુકાશે એવી જાહેરાત કરી છે.
અગાઉ ગોખલે પુલની એક તરફની લેન નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં ખુલ્લી મુકવાની પાલિકાની યોજના હતી . જોકે ગોખલે પુલના બાંધકામ માટે રેલવે લાઈન ઉપર ગર્ડર નાખવા માટે પશ્વિમ રેલવે તરફથી બ્લોક આપવામાં વિલંબ થઈ રહ્યો હોવાને કારણે કામ લંબાઈ રહ્યું હોવાનું કહેવાય છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે બુધવારના મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ (Iqbal Singh Chahal) અને પશ્વિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે લાંબી ચર્ચા થઈ હતી. આ મિટીંગમાં ગોખલે પુલના ગર્ડર લોચિંગ માટે પશ્વિમ રેલવે મારફત બ્લોક માટે વધુ સમય આપવાની વિનંતી પાલિકા તરફથી કરવામાં આવી હતી, જેને રેલવેએ માન્ય કરી હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.
ગોખલે પુલના પહેલા ગર્ડરનું લોચિંગનું કામ રાઈટ્સ કંપની તરફથી કરવામાં આવી રહ્યું છે. ગોખલે પુલના ગર્ડરના લોચિંગ કરવું, ગર્ડર ઉત્તર તરફ સરકાવવું અને પૂલના ગર્ડરને સરકાવ્યા બાદ ૭.૫ મીટર નીચે લગભગ ૧૩૦૦ ટન વજનને લાવવાનું કામ અત્યંત જટિલ છે. પહેલા ગર્ડરનું કામ અત્યંત જોખમી હોવાથી કામ બહુ કાળજીપૂર્વક કરવાનું છે. ગર્ડર લૉન્ચ કરવા માટે બ્લોક કયારે લેવો તે બાબતે બુધવારની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને રેલવે પ્રશાસન દ્વારા બ્લોકને લગતી માહિતી બહુ જલદી જાહેર કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મોદીજી આજે મહારાષ્ટ્રમાં, વિવિધ વિકાસ કાર્યો લોન્ચ કરશે.. જાણો સમગ્ર કાર્યક્રમની વિગતો વિગતે..
૭.૫ મીટર ઊંચાઈ પરથી ગર્ડરને નીચે લાવવો એ ભારતનો પહેલો પ્રોજેક્ટ…
કોઈ પુલના બાંધકામમાં ૭.૫ મીટર ઊંચાઈ પરથી ગર્ડરને નીચે લાવવો એ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે. તેથી આ ટૅક્નોલોજીની અમલબજાવણીની બાબતમાં કાળજી લેવી આવશ્યક છે. રેલવેના સાધારણ રીતે એક કલાકના બ્લોકમાં ગર્ડર ફક્ત ૧૫ સેંટીમીટર જેટલો જ નીચે લાવી શકાશે. તેથી ગોખલે પુલના ૧૩૦૦ ટનના મહાકાય ગર્ડરને ૭.૫ મીટર નીચે ઉતારવા માટેના કામ માટે વધુ સમય લાગશે. એટલે રેલવેના બ્લૉકનો સમય વધારીને આપવાની વિનંતી પાલિકાએ કરી છે, જેને રેલવેએ માન્ય રાખ્યો હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.
એક વખત ગર્ડર લાવીને મુક્યા બાદ તેના પર સિમેન્ટ-કૉંક્રીટકરણ કરવામાં આવશે. પુલનું ક્યુરીંગનું કામ પૂરું થયા બાદ તેના પર માસ્ટિકનું કામ કરવામાં આવશે. આ તમામ કામ પૂરા થયા બાદ એક લેન ટ્રાફિક માટે ખુલ્લી મૂકવી શક્ય બનશે. ગોખલે પુલ માટે જુદા જુદા તબક્કામાં થનારા કામને જોતા પાલિકા અને રેલવે દ્વારા પૂલની એક લેનને ખુલ્લી મૂકવાની ડેડલાઈન નવેમ્બર, ૨૦૨૩માંથી હવે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ અપેક્ષિત હોવાનું પાલિકાએ બુધવાની બેઠક બાદ કહ્યું હતું.